ડાંગ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટનામાં આજે ડાંગ જિલ્લા ભાજપના પાયાના કાર્યકરો અને ચાલુ સદસ્યોએ કેસરીયો છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ડાંગના 100 થી વધુ ભાજપના ચાલુ સદસ્યો, આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે અને ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ડાંગના રાજકારણમાં આ પરિવર્તનને આવનારી ચૂંટણીઓ માટે નિર્ણાયક ગણાવ્યું હતું.

પક્ષ પલટાનું મુખ્ય કારણ: ભ્રષ્ટાચાર અને અન્યાય કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે:1  ભાજપ શાસનમાં ડાંગના વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 2 છેવાડાના માનવી અને કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. 3 જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, “ડાંગના પાયાના કાર્યકરોનો કોંગ્રેસ પરનો વિશ્વાસ દર્શાવે છે કે હવે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ભાજપની અન્યાયી નીતિઓ સામે હવે જનતા અને કાર્યકરો જ મેદાનમાં આવ્યા છે. આ જોડાણથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે.”

ડાંગ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરેએ ઉમેર્યું કે, આ કાર્યકરો આવવાથી ડાંગના સંગઠનમાં નવો પ્રાણ ફૂંકાશે અને આગામી દિવસોમાં ભાજપના અનેક જૂથો કોંગ્રેસમાં જોડાવા માટે સંપર્કમાં છે. જેમાં આજે બાબુભાઈ બાગુલ માજી સરપંચ, નિલેશભાઈ બાબુભાઈ બાગુલ જિલ્લા કારોબારી અધ્યક્ષ, વિજયભાઈ ચૌધરી માજી જિલ્લા કારોબારી ચેરમેન, લગનભાઈ ગામીત તાલુકા કારોબારી ચેરમેન, કરસનભાઈ ચૌધરી સરપંચ પીપલદહાડ, મગનભાઈ રાઉત અન્ય તાલુકા સભ્યો સરપંચો, વોર્ડ સભ્યો, માજી જિલ્લા તાલુકા સરપંચ અને સભ્યો, અને 100થી વધુ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here