ગુજરાત: હાલમાં જ ગુજરાતની ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમશાળામાં શિક્ષકો અને ગરીબ બાળકોના પ્રવેશ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને કેટલાક વેધક સવાલો અને કેટલાક સૂચનો કર્યા હતા.
કોર્ટે એવું સૂચન કર્યુ હતું કે આશ્રમશાળાઓમાં શિક્ષકોની ભરતી માટે કેટલાક સ્પષ્ટ નિયમો બહાર પાડવા જોઈએ. સરકારે એવી રજૂઆત કરી શિક્ષકોને સરકાર પગાર પણ આપશે અને સ્કૂલના મેઇનટેનન્સનો ખર્ચો પણ આપશે. તે સિવાય મેટ્રન અને રસોઈયાનો પગાર પણ સરકારને આપવો પડશે. કેન્દ્ર સરકારે આ યોજના બંધ કરી છે પરતું ગુજરાત સરકાર તે ચાલુ રાખે તો આવી સ્કૂલોને માન્યતા મળવી જોઇએ. દરેક શિક્ષકોની ભરતી પર સરકારે મંજૂરી આપવી પડે. સોશિયલ જસ્ટિસ, ટ્રાયબલ અને સોશિયલ વેલફેર વિભાગે અન્ય શાળાઓની જેમ તમામ પાસાઓ પર સમાન નિર્ણય લેવા પડે. કોર્ટે સરકારને સોગંદનામા પર નીતિ રજૂ કરવા આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી 21મી જાન્યુઆરી હાથ ધરાશે.
હાઇકોર્ટે આશ્રમશાળા માટે પ્રારંભથી લઈને શિક્ષકોની ભરતી સુધીના તમામ તબક્કા પર કોર્ટ સરકારને નિર્ણયો લેવા નિર્દેશ કર્યો છે. સરકારે એવી રજૂઆત કરી હતી કે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવાશે. આ કમિટી તમામ આશ્રમશાળામાં રાઇટ ટુ એજયુકેશનનો ફરજિયાત અમલ કરાવશે. શિક્ષકોની ભરતી પ્રાથમિક શિક્ષણ વિભાગ કરશે. કોર્ટે સરકારને એવો આદેશ કર્યો હતો કે તમામ આશ્રમશાળાઓ પર સરકારના કયા વિભાગો નિરીક્ષણ અને નિયત્રંણ કરશે તે અંગે ઠરાવ બહાર પાડો પછી મેનેજમેન્ટ કમિટીની વાત કરો.











