ધરમપુર: 16 ડિસેમ્બર 2025 ના રોજ ઢાંકવળ ગામ ખાતે પેસા કાયદા તથા વન અધિકાર અધિનિયમ અંગે માહિતી આપવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઢાંકવળ ગામના આગેવાનો સાથે તામછડી ગામ તથા મોહના કાંવચાળી ગામના આગેવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમમાં વન અધિકાર અધિનિયમ સમિતિના સભ્યો તરીકે ઉજાસ મહિલા ખેડૂત સંગઠનના સભ્યોની નોંધપાત્ર હાજરી રહી હતી. તાલીમ દરમિયાન ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નોના યોગ્ય અને વિસ્તૃત જવાબ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને પેસા કાયદા હેઠળ ગ્રામસભાનું મહત્વ, તેની ભૂમિકા અને અધિકારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

તાલીમમાં વ્યક્તિગત વન અધિકાર તેમજ સામૂહિક વન અધિકાર શું છે, તે કેવી રીતે મેળવવામાં આવે અને તેના ફાયદાઓ અંગે પણ ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ચર્ચાઓથી ગ્રામજનોમાં પોતાના હકો અને કાયદાકીય જાગૃતિ વધતી જોવા મળી હતી.

કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રમેશભાઈ મેન્ટર તરીકે હાજર રહ્યા હતા, જ્યારે રોનકભાઈ તેમજ ઉજાસના અન્ય સાથીઓએ પણ સક્રિય ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર તાલીમ કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here