નવીન: ગુજરાતમાં મોંઘવારી બિલકુલ નથી, ઘી દૂધ બની નદીઓ વહે છે. બેરોજગારી નથી. શાળા કોલેજોની સમસ્યા નથી. સરકારી હોસ્પિટલોમાં સારવારની બધી સુવિધાઓ છે. દરેક નદી ખનિજ માફિયાઓથી અને પ્રદૂષણ માફિયાઓથી મુક્ત છે ! એટલે અખબારો ક્રિકેટની રમત અને ખેલાડીઓની હરરાજીના સમાચાર પ્રથમ પાને આઠ કોલમમાં છાપે છે !
ભલે ગુજરાતમાં ફૂટબોલની રમતનું ઠેકાણું ન હોય પરંતુ વૈશ્વિક ફૂટબોલ આઈકોનિક લિયોનેલ મેસી અનંત અંબાણીના વનતારાની મુલાકાત લે તેથી અખબારો આખું પાનું ભરી દે છે ! વિપક્ષો મતચોરી સામે દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો લોકો સમક્ષ જે વાત કરે છે, તે ‘મેટર’ અખબારોને સમાચાર લાગતી નથી ! એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા પણ અખબારોને દેખાતી નથી.
અખબારો લોકોને ગેરમાર્ગે દોરે છે, વાસ્તવિક સમસ્યાઓને નકારે છે, કેમકે એથી તંત્રને સરકાર દિગમ્બર થઈ જાય છે. હવે અખબારોને અખબાર ન માનો, તે સરકારના પાવરફૂલ હથિયાર છે. ધારે તે નેરેટિવ ઘડે છે અને લોકોને ભ્રમિત કરે છે. નોન-ઈશ્યુને ઈશ્યુ બનાવે છે.
ગાંધીજીની દૃષ્ટિએ અખબારોના મુખ્ય કર્તવ્યો આ પ્રમાણે છે: [1] લોકોની લાગણીઓને સમજવી અને તેનો પડઘો પાડવો. અખબારે લોકોના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ. [2] સારા વિચારો અને આદર્શોને જગાડવા. લોકોમાં ઇચ્છનીય ભાવનાઓ (જેમ કે સત્ય, અહિંસા, સ્વાવલંબન) પ્રગટાવવી અને તેને પ્રોત્સાહન આપવું. [3] લોકોની ખામીઓને નિર્ભયતાથી ઉજાગર કરવી. સમાજના દોષોને બિન્દાસ્ત વ્યક્ત કરીને સુધારાનો માર્ગ બતાવવો. અખબારો એ મહાન શક્તિ છે, પરંતુ જેમ વહેતા પાણીનો પ્રવાહ નિયંત્રણ વગરનો હોય તો ખેતરોને ડૂબાડી દે છે, તેમ નિયંત્રણ વગરની કલમ પણ વિનાશ કરે છે !
ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૃષ્ટિએ અખબારોનું મુખ્ય કર્તવ્ય સમાજમાં ન્યાય, સમાનતા અને જાગૃતિ ફેલાવવાનું છે. તેઓ માનતા હતા કે દલિતોનું કોઈ અખબાર નથી અને મુખ્યધારાના અખબારો તેમના અત્યાચારોને આવરી લેતા નથી અથવા તો તેમને દબાવી દે છે. અખબારોએ તથ્યો આધારિત રિપોર્ટિંગ કરવું જોઈએ, સનસનાટીભર્યા સમાચારો કે વ્યક્તિપૂજા નહીં. અખબારોએ જાતિવાદ, સાંપ્રદાયિકતા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરીને રાષ્ટ્રવાદ અને તર્કશક્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ માનતા કે અખબારોએ લોકોની લાગણીઓને ઉશ્કેરવાને બદલે તેમના વિવેકને જગાડવો જોઈએ. પત્રકારત્વ હવે વેપાર બની ગયું છે. તે જાહેર જનતાના જવાબદાર સલાહકાર તરીકે પોતાને માનતું નથી.
હસમુખ ગાંધી ગુજરાતી પત્રકારત્વના પ્રખર અને નીડર તંત્રી હતા. તેઓ કહેતા કે અખબારોનું કર્તવ્ય મુખ્યત્વે સત્યની વાત કરવી, નીડરતાથી વિવેચન કરવું અને કોઈની પરવા કર્યા વિના સમાજના પ્રશ્નો ઉઠાવવાનું છે.
અખબારોનું મુખ્ય કર્તવ્ય લોકોને સચોટ, નિષ્પક્ષ અને સમયસરની માહિતી પૂરી પાડવાનું છે. અખબારોને લોકશાહીનું ચોથો સ્તંભ કહેવામાં આવે છે, કારણ કે તે સરકાર અને સત્તાધિશોને જવાબદાર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અખબારોએ ભ્રષ્ટાચાર, અન્યાય, સામાજિક સમસ્યાઓ વગેરેને બહાર લાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. શું અખબારો આ ભૂમિકા ભજવે છે ?
BY: રમેશ સવાણી











