મણિપુરમાં ડ્રગ્સ કોઈ સામાન્ય ગુનો નથી. રાજ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ રૂટ પર આવેલું છે, જ્યાં ડ્રગ્સ માત્ર યુવાનોને જ નહીં, પણ આતંકવાદ, શસ્ત્રો અને સંગઠિત હિંસાને પણ પોષે છે. અહીં, ડ્રગ્સની હેરફેર કાયદો અને વ્યવસ્થાનો નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે.
આ સંદર્ભમાં, મણિપુર પોલીસની એક IPS અધિકારી Thounaojam Brinda-થૌનાઓજમ બ્રિન્દા દ્વારા એક મુખ્ય ડ્રગ માફિયાની ધરપકડ વીરતાનું કાર્ય નહોતું, તે તેની ફરજ હતી. રાજકીય પ્રભાવ હોવા છતાં, પોતાના જીવન માટે જોખમ જાણીને, તેણે તે કર્યું જેના માટે ગણવેશ ધારણ કરવામાં આવે છે-કાયદાનો અમલ કરાવવા.
આ પછી રાજ્યનો સાચો ચહેરો સામે આવ્યો. આરોપીની ધરપકડ પછી, મુખ્યમંત્રી બિરેન્દ્ર સિંહનું સીધું દબાણ આવ્યું. કોઈ સંકેત નહીં – સીધો ફોન, સીધી સૂચના: આરોપીને છોડી દો ! જ્યારે બ્રિન્દાએ ના પાડી, ત્યારે તે ગુનેગાર માટે નહીં, પણ સત્તા માટે સમસ્યા બની. આખરે, તેણીને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી.
આ રાજીનામું કોઈ વહીવટી મતભેદનું પરિણામ નથી, પરંતુ સત્તા દ્વારા એક પ્રામાણિક અધિકારીને આપવામાં આવેલો વિકલ્પ – કાયદો તોડો અથવા રાજીનામું આપો- નો પુરાવો છે. તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું. આ ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી. એ માનવું મુશ્કેલ છે કે મણિપુર જેવા સંવેદનશીલ રાજ્યમાં, હાઇ-પ્રોફાઇલ ડ્રગ કેસમાં ધરપકડ, મુખ્યમંત્રીનો હસ્તક્ષેપ અને એક વરિષ્ઠ IPS અધિકારીનું રાજીનામું કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાણકારી વિના થયું હોય !
જો જાણકારી હતી અને મૌન રહ્યા, તો તે ગુનાને સંરક્ષણ છે. જો જાણકારી ન હતી, તો તે અક્ષમતા છે. બંને લોકશાહી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. ગુજરાતના મુદ્રા બંદર પર પણ આ જ પેટર્ન જોવા મળે છે. મુદ્રા બંદર પર ₹23,000 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. એક કન્સાઇનમેન્ટ એટલું મોટું કે એક નાની ગેંગ માટે તેને હેન્ડલ કરવું અશક્ય છે. છતાં, તપાસમાં ઠાગાઠૈયા ! ન તો નેટવર્ક ખુલ્લું પડ્યું કે ન તો જવાબદારી નક્કી કરી !
મણિપુર અને મુદ્રા બંદર એક જ સિસ્ટમના બે ચહેરા છે. એક જગ્યાએ, ડ્રગ નેટવર્ક પર કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે – થૌનાઓજમ બ્રિન્ડા જેવા અધિકારીને દૂર કરવામાં આવે છે. બીજી જગ્યાએ, નેટવર્કનો પર્દાફાશ થાય છે – તપાસ ત્યાં જ અટકી જાય છે જ્યાં અસહજ પ્રશ્નો શરૂ થાય છે. પરિણામ સ્પષ્ટ છે. ડ્રગ્સ આતંકવાદને પોષણ આપે છે. સરહદી વિસ્તારો અસ્થિર બને છે. યુવાનોનું ભવિષ્ય નાશ પામે છે. અને છતાં, ભારતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી રહે છે.
સમસ્યા કાયદાની નથી, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિ અને સંસ્થાકીય ઈમાનદારીના ધોવાણની છે. ધાર્મિક પ્રભુત્વ ધરાવતા દેશમાં, નૈતિકતા વિશે ઘણી ચર્ચા થાય છે, ઉપદેશો અપાય છે; પરંતુ જ્યારે નૈતિકતા સત્તા માટે અસુવિધાજનક બને છે, ત્યારે તેને છોડી દેવામાં આવે છે. એટલા માટે ભ્રષ્ટ સુરક્ષિત રહે છે અને ઈમાનદાર એકલા ! જો આ વિરોધાભાસનો સારાંશ એક વાક્યમાં આપવો હોય તો કહી શકાય : સોમાંથી નેવું બેઈમાન, છતાં મારો દેશ મહાન !
આ વ્યંગ નથી, ચેતવણી છે.
કારણ કે જે દેશમાં ડ્રગ માફિયાઓ સુરક્ષિત હોય અને તેમને રોકવા માટે જવાબદાર અધિકારી થૌનાઓજમ બ્રિન્ડાને રાજીનામું આપવું પડે; ત્યાં સૌથી મોટો નશો ડ્રગ્સનો નહીં, પણ સત્તાનો છે !
[સૌજન્ય : જ્ઞાનેન્દ્ર અવસ્થી, 16 ડીસેમ્બર 2025]











