મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર કરતા શ્રમિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ આ માર્ગની દુર્દશાના ભોગ બની રહ્યા છે, છતાં સરકાર અને તંત્ર હજુ પણ નિષ્ક્રિય છે.
સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઇમર્જન્સી વખતે ખરાબ રસ્તા મોતના રસ્તા બની જાય છે. વિદ્યાર્થીઓને ભણતર માટે વહેલી સવારથી રાત સુધી મુસાફરી કરવી પડે છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય બંને જોખમમાં મૂકાઈ રહ્યા છે.
રસ્તા પર ઉડતી ધૂળ લોકોના શ્વાસમાં ઝેર ભરી રહી છે. વેપારીઓનો માલ બગડે છે, ધંધો નુકસાનમાં જાય છે અને કામદારો રોજ જીવના જોખમે મુસાફરી કરે છે. રોજ અકસ્માતો થાય છે છતાં કોઈ જવાબદાર જવાબદારી સ્વીકારતું નથી.
તાંબડી રાતા ખાડી પર બ્રિજ ન બનવાને કારણે ભારે વાહનો અંદરના રસ્તાઓમાં ઘૂસી જાય છે અને ગ્રામ્ય માર્ગો પણ તૂટી રહ્યા છે. છકડા-વાડા ચાલકો મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બમણું ભાડું વસૂલ કરે છે, કારણ કે જનતાને બીજો વિકલ્પ જ આપવામાં આવ્યો નથી.
આ સૌથી મોટો પ્રશ્ન છે કે –
આ વિસ્તારથી એક નાણામંત્રી, એક સાંસદ અને ત્રણ ધારાસભ્યો હોવા છતાં પણ શું લોકોની સમસ્યાઓનો અવાજ તંત્ર સુધી પહોંચતો નથી? કે પછી જનતાનું દુઃખ સત્તાના કાન સુધી પહોંચવા લાયક નથી ?
જો હજુ પણ તાત્કાલિક રસ્તા સુધારણા અને તાંબડી રાતા ખાડી બ્રિજનું નિર્માણ શરૂ નહીં થાય, તો આ જનઆક્રોશ કાલે મોટું આંદોલન બની શકે છે. કારણ કે હવે પ્રશ્ન રસ્તાનો નથી, જીવન અને મરણનો છે. રસ્તા રોકો આંદોલન મોટાપોંઢા સરપંચ રણજીતભાઇ, ગિરીશ પટેલ, ગણેશ પટેલ, ગામના આગેવાન બાબુ વરથા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.











