ધરમપુર: લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ડો. સી.જે. દેસાઈ એન્ડ જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન હોસ્પિટલના સહયોગથી શેરીમાળના તાડપાડા ફળિયામાં ૧૨ ડિસેમ્બરના રોજ એક મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે સ્થાનિક લોકોને આંખની તપાસ, જનરલ ચેકઅપ, મોતીયાના ઓપરેશન માટેની તપાસ તેમજ મફત દવાઓનું વિતરણ કર્યું હતું. આ કેમ્પ “સેવા અને સંવેદનાનો સંકલ્પ”ના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી, જેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો હેતુ હતો. સ્થાનિક રહેવાસીઓએ આ પહેલનું સ્વાગત કર્યું અને મોટી સંખ્યામાં લાભ લીધો.
આ પ્રકારના કેમ્પથી ખાસ કરીને વૃદ્ધો અને આર્થિક રીતે નબળા વર્ગને મોટી રાહત મળી રહે છે. આયોજકોએ જણાવ્યું કે, આવા કેમ્પ દ્વારા શેરીમાળ વિસ્તારને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો પ્રયાસ છે. તમામ આયોજકો, ડોક્ટર ટીમ અને સ્વયંસેવકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.











