નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના વણઝાર ફળિયામાં પાણીનું સ્તર અસાધારણ રીતે ઊંચું જોવા મળ્યું છે. આજે વિશ્વભરમાં પાણીની તંગી અને ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું હોય ત્યારે આ ફળિયું પાણીની અદભૂત સમૃદ્ધિ માટે ચર્ચાનો વિષય બન્યું છે.
માહિતી મુજબ વણઝાર ફળિયામાં અંદાજે 7 થી 8 બોરીંગ આવેલ છે, જેમાંથી 24 કલાક આપમેળે પાણી નીકળતું રહે છે. કોઈ મોટર અથવા પંપ વિના સતત વહેતું રહેતું પાણી ગામજનો અને આસપાસના વિસ્તારોમાં આશ્ચર્ય પમાડે તેવી કુદરતી અનોખી ઘટના છે. વિશેષજ્ઞો મુજબ પાણીનું સ્તર અત્યંત ઊંચું હોવાને કારણે સ્વયંસ્ફૂર્ત પાણીનું વહન જોવા મળે છે, જે આજના સમયમાં ખૂબ દુર્લભ છે. આ પરિસ્થિતિ અભ્યાસ અને સંશોધન માટે મહત્વપૂર્ણ બની શકે છે.
સરપંચશ્રી યોગેશભાઈ પટેલ જણાવે છે કે આ કુદરતી પાણી સ્ત્રોતે લોકોના દૈનિક જીવનમાં મોટી સહુલિયત આપી છે અને પીવાલાયક પાણીની સમસ્યા પણ દૂર કરી છે. સાથે જ આ કુદરતી ઘટના સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે.











