વલસાડ: વલસાડ નગરપાલિકાના હદવિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા એક મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે.અને રહેવાસીઓ ગંદુ પાણી પીવાથી અને નહાવાથી રોગનો ભોગ બની રહ્યા છે.
આકાર એપાર્ટમેન્ટના સેક્રેટરી જીગર વસાવાએ નગરપાલિકા પર આક્ષેપ મુકતા જણાવેલ કે છેલ્લા કેટલાય દિવસથી અમે નગરપાલિકાનો સતત સંપર્ક કરી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે અને એકવાર નગરપાલિકાના કર્મચારીઓ આવીને જોઈ ગયા બાદ તેઓએ હાથ ઊંચા કરતા જણાવેલ કે આમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઇ ગયેલ છે અને રીપેરીંગની જરૂર છે પરંતુ અમારી પાસે રસ્તાના ખોદકામની મંજૂરી નહીં હોવાથી અમે આ મેટરમાં કઈ કરી શક્યે એમ નથી.આ બાબતે યુવાઆગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ટાંકીમાં આવતું નગરપાલિકાનું પાણી દેખાડતા તેમાં રીતસરની વાસ આવી રહી છે અને પાણી એકદમ કાળું અને અંદર કચરો મિક્સ થયેલો જોવા મળે છે.
વલસાડ નગરપાલિકા પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ આવે ત્યારે જર્જરિત રોડ પર ટેમ્પરરી થીંગડા મારવાની અને મુખ્યમંત્રી જેવા રવાના થાય એટલે રસ્તો ખોદીને બે બે વાર રસ્તો બનાવવાની અને પ્રજાના રૂપિયા વેડફવાની મંજૂરી છે પણ નિયમિત વેરો ભરતા નાગરિકોને સુવિધા આપવામાં જાતજાતના વાંધા વચકા છે.આ બાબતે તાત્કાલિક નિરાકરણ માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.વલસાડ નગરપાલિકા ક્યાંસુધી આકાર એપાર્ટમેન્ટના રહેવાસીઓને આવી રીતે ગટરવાળું પાણી પીવા મજબુર કરે છે તે જોવું રહ્યું.











