વલસાડ: વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા ડો.નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર છીપવાડ અને ગુંદલાવને જોડતો નવનિર્માણાધીન પુલ તૂટી પડતા 5 મજૂરો દબાય જતા લોકોમાં બેદરકાર તંત્ર પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકોએ સોસીયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. આ બાબતે ખેરગામના યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી લોકોનો અવાજ રજુ કરતા જણાવ્યું હતું કે વારંવારની ઘટનાઓ પછી પણ વલસાડ જિલ્લાનું ભ્રષ્ટ તંત્ર હરકતમાં નથી આવતું અને એલોકોમાં ડર જેવું કશું રહ્યું જ નથી તેના લીધે આ બધી ઘટનાઓ બની રહી છે જેમાં સ્થાનિકો અને રાહદારીઓના જીવ પડીકે બંધાતા રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા ધરમપુર શ્રીમદ રાજચંદ્ર પરિસર ખાતે રાજયકક્ષાની ચિંતન શિબિર યોજાઈ જે પૂર્ણ થતાની સાથે ચિંતન માટે અગાઉ કેટલીક રજૂઆતો કરી હતી કે મુખ્યમંત્રીશ્રીના વલસાડમાંથી વિદાય લેતા વેંત બધું જૈસે થે થઇ જશે અને થયું પણ એવું જ કે મુખ્યમંત્રી અને અન્ય સત્તાધિકારીઓનો કાફલો જે રસ્તેથી પસાર થવાનો હતો તે રસ્તો જર્જરિત હોવાથી તાત્કાલિક ટીપટોપ કરવામાં આવ્યો અને શિબિર પુરી થયે નવેસરથી બનાવવા માટે ફરી ખોદી કાઢવામાં આવ્યો.મતલબ પ્રજાના રૂપિયાનો ચોખ્ખો વેડફાટ તે પણ 2 વાર અને તે પણ માત્ર એક જ અઠવાડિયામાં. આજે જ વલસાડમાં ઔરંગા નદી પર નવનિર્માણ પામી રહેલ બ્રિજ ધરાશયી થતા 5 જેટલાં મજૂરો સારવાર હેઠળ સિવિલમાં લઇ જવામાં આવ્યા.ભૂતકાળમાં ઉંમરશાળી પુલ વાંકો ચુકો થયો અને ખડકી બ્રિજ બન્યાને 2 મહિનામાં જ જર્જરિત બન્યો.અત્યારે પણ હાઇવે પર મારેલ થીંગળા ચોમાસામાં પહેલા જ વરસાદમાં ધોવાય જાય એટલા મજબૂત છે અને ધરમપુર કપરાડા હાઇવે તો રાડો પડાવી નાંખે એવો છે.અને ઘણીબધી સરકારી શાળાઓ અને આંગણવાડીઓની દયનિય હાલત વિશે વાત થાય એવી છે જ નહીં. ધરમપુર કરંજવેરી ગામનો પુલ મોટુ ગાબડું પડ્યા પછી હજુય ભારે વાહનો માટે પ્રતિબંધિત અને ભારે વાહનોએ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈને સામાન્ય લોકો માટે ભારે હેરાનગતિ ઉભી કરી છે. એક સમયે રસ્તાઓનો ભ્રસ્ટાચાર તો કદાચ સમજ્યા પણ કમસેકમ પુલો કે શાળા-કોલેજોમાં તો નહીં થાય એવા આદેશો તો આપશો.

આવી હલકી ગુણવતાવાળા પુલ બની જઈને અહીંયા વલસાડમાં પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી હોત તો?લોકો હવે તો અકળાઈને મજાક ઉડાવી રહ્યા છે કે સારુ થયું કે સરકારે ગુજરાતમાં ડેમ નથી બનાવ્યા નહિતર ભ્રસ્ટાચારીઓના પાપે કેટલાય લોકો કમોતે મર્યા હોત.આશા રાખું છું કે ભુપેન્દ્રદાદા આ બાબતે ભ્રસ્ટાચારીઓમાં ભયનું લખલખું પસાર થઇ જાય એવી કડક યોગ્ય કાર્યવાહી કરશે,બાકી તો કહેવત છે તેમ વલસાડ જિલ્લો રામભરોષે જ ચાલી રહ્યો એવું હાલ તો માલુમ પડી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here