ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન કર્યું હોવા બાબતે પોલીસમાં ફરિયાદ થઇ હતી.

ઉલ્લેખનીય છેકે ઝઘડિયા અને રાજપારડી વચ્ચે સેંકડો સિલિકાના પ્લાન્ટ આવેલા છે, જેમાં ઘણા પ્લાન્ટ સરકારની કેટલીક જરૂરી મંજૂરી વગર બે રોકટોક ધમધમી રહ્યા છે, કેટલાક સિલિકાના પ્લાન્ટના સંચાલકો પ્લાન્ટમાં કામ કરતા કામદારો ઉપરાંત સિલિકા વહનની કામગીરીમાં જોડાયેલા ટ્રક ડ્રાઇવરો તેમજ ટ્રક માલિકો સાથે પણ અસભ્ય વર્તન કરતા હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામ ખાતે આવેલ માંડોવી મિનરલ્સ કંપનીમાં તેના આદિવાસી કામદાર સાથે બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે રહેતા રવિદાસભાઈ બાલુભાઈ વસાવા માંડોવી મિનરલ્સમાં કામદાર તરીકે કામ કરે છે, રવિદાસ વસાવા ગત શનિવારના રોજ રાત્રિ દરમિયાન પ્લાન્ટમાં કામ કરતો હતો ત્યારે લગભગ સાડાબાર વાગ્યાના અરસામાં સિલિકા રેતી પ્લાન્ટના વીએસઆઈ વી બેલ્ટમાંથી અવાજ આવતો હતો, તે સાંભળીને માંડોવી કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન જેઓ ત્યાં પ્લાન્ટ પર જ રહે છે, તેઓ રવિદાસ વસાવા પાસે આવેલ અને હિન્દી ભાષામાં કહેવા લાગેલ કે વીએસઆઇ પંપ ક્યો હિલ રહા હૈ, જેથી કામદારે જણાવેલ કે મશીનરી જૂની છે જેના કારણે તે વારંવાર બગડે છે, હું સવારે આ પ્લાન્ટ બંધ કરીને રીપેર કરાવી દઈશ, તેમ કહેતા સિલિકા પ્લાન્ટ ના માલિક સંતોષકુમાર કહેવા લાગેલ કે અભી કી અભી‌ ઠીક કરો તેમ કહી ઉશ્કેરાય‌ જઇને રવિદાસ વસાવાને ડાબા ગાલ પર એક તમાચો મારી દીધેલ અને તેની ગરદન પકડી વીએસઆઈ પંપ તરફ ધક્કો મારી દીધેલ હતો, પરંતુ નજીકમાં પાઈપ હતી તેના ઉપર હાથ મુકતા તેનો બચાવ થયો હતો, તે સમયે તેની સાથે કામ કરતો દેવેન્દ્ર વસાવા ત્યાં હાજર હતો, જતા જતા સંતોષકુમાર મેન્ડન‌ હિન્દી ભાષામાં ગાળો બોલી કહેતો હતો કે તુમ ભીલ લોગ કભી નહીં સુધરોગે, ઔર યે બાત કિસી કો બતાયી તો તેરે કો મેં જિંદા નહિ રેહને દુંગા તેવી ધમકી આપી પ્લાન્ટમાં આટો મારી ત્યાંથી જતો રહ્યો હતો, આ દરમિયાન તેની સાથે કામ કરતા‌ રીલીવર હસમુખભાઈ વસાવા એ પણ રવિદાસ ને જણાવેલ કે સંતોષકુમાર મેન્ડને મારી સાથે પણ ગાળા ગાળી કરી મને માર મારેલ હતો, પરંતુ મને નોકરી ઉપરથી કાઢી મૂકવાના ડરના કારણે મેં ફરિયાદ આપેલ ન હતી તેમ જણાવ્યું હતું,

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદાર રવિદાસ બાલુભાઈ વસાવાએ તેની સાથે થયેલ અત્યાચાર બાબતે કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here