ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે
આદિજાતિનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1-7-2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી. ગત વર્ષે 28-10- 2024ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે અમે કમિશનર અને સચિવને રજૂઆત કરી હતી. બાદમાં વિધાનસભામાં પણ હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો કરવાનાં પ્રયાસ કર્યા હતા. વિધાનસભા ગૃહમાં આ મુદ્દે મક્કમતાથી મેં રજૂઆત કરી હતી અને તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. સરકારે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનાં અનેક કારણો બતાવ્યા હતા અને ટસની મસ થઇ ન હતી. ત્યાર બાદ જૂન મહિનામાં અમે આદિજાતિ વિસ્તારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સરકાર કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બાદમાં સરકારે તાત્કાલિક ધોરણે 24 જૂન 2025ના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુન: બહાર પાડવાની ખાતરી આપી હતી. પરંતુ જમા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે અમે 25 નવેમ્બર 2025ના રોજ બિરસા મુંડા ભવન અને સ્વર્ણિમ સંકુલ -1 માં મંત્રીને મળ્યા અને રજૂઆત કરી હતી કે 15 દિવસમાં શિષ્યવૃતિ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગરમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું.
અન્ય માંગ હતી કે આદિજાતિ વિકાસ સંચાલિત દ્વારા જે છાત્રાલયો છે તેમાં મહિનાનું ફૂડ બિલ માત્ર ₹ 2100 રૂપિયા છે એટલે રોજનાં 70 રૂપિયામાં વિદ્યાર્થીઓનું ભણવાનું, રહેવાનું, લાઈટની સુવિધા, નાસ્તો અને બે ટાઈમનું જમવાનું આવે છે, આ મોંઘવારીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળતો નથી. આ બિલ ₹2100થી વધારીને ₹3000 કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ તમામ માંગ અંગે સત્વરે પગલાં લેવામાં આવે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.











