ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં ભાજપના ગઢ ગણાતા બજાર વિસ્તારમાં આવેલ ડ્રેનેજ લાઈનની વર્ષો જૂની સમસ્યા આજદિન સુધી હલ ન થતાં ‘કામ નહીં તો ભાજપાને મત નહી, જય ભવાની-ભાજપ જવાની” લખાણ લખેલા સ્ટીકરો લગાવવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી
Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામ તાલુકાના મુખ્યમથક એવા બજાર વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની વર્ષો જૂની સમસ્યા આજદિન સુધી હલ થઇ શકી નથી અને તેમાં હાલમાં તાલુકા જિલ્લા પંચાયતની નજીકમાં આવી રહી છે ત્યારે ગટર લાઈનની સમસ્યાથી પીડિત વ્યક્તિઓએ બજાર વિસ્તારમાં ભવાની માતાના મંદિર સહિત અન્ય સ્થળોએ કાગળો ચોંટાડી દેતા આ મુદ્દો આસપાસના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હવે જોવાનું એ રહ્યું છે કે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને સાંસદસભ્ય સહિત તમામ પ્રકારની સત્તા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બાબતે શુ કાર્યવાહી કરે છે કે પછી ખેરગામ તાલુકો બન્યાને 11 વર્ષ જેટલો સમય થવા છતાં બસ સ્ટેન્ડ, સર્કિટ હાઉસ, ગટર લાઈન સહીતની વિવિધ પાયાની સુવિધાઓના અભાવથી કંટાળેલા લોકો અન્ય પક્ષ તરફ વળશે એ ચર્ચા આવનાર સમયમાં ઉત્સુકતાનો વિષય બન્યો છે.











