ગુજરાત: ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જાહેરમાં એવું નિવેદન કર્યું છે કે, “અમારાંમાં રાજનીતિમાં ચારિત્રહીન, દારૂ પીનારાં અને જુગાર રમનારાં આવી ગયાં છે.” તેમના આ નિવેદને ભાજપને ‘ઉઘાડું પાડયું’ છે અને રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “પ્રજાની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ડગી ગઈ છે. તેનુ કારણ એ છે કે, અમારામાં ચારિત્ર હીન માણસો આવી ગયા છે.” વરમોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, “આજે રાજનીતિમાં ચારિત્ર હીન, દારૂ પીવા વાળા અને જુગાર રમવા વાળા લોકો આવ્યાં છે.
આ નિવેદન આપવા પાછળનું કારણ શું હોઈ શકે? રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો નવા રચાયેલા મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયો હોવાથી તેમના બોલ બદલાયા છે. મંત્રીપદ ન મળવાના કારણે તેમની નારાજગી આ જાહેર મંચ પર વ્યક્ત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું કે, “ભાજપનું ચાલ, ચલણ અને યારિત્ર્ય ભાજપના જ ધારાસભ્યએ વર્ણવ્યું છે તે કડવી હકીકત છે.” “ગાંધીના ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે, પરિણામે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, સરકાર પરથી જનતાનો ભરોસો ઉઠી ચૂક્યો છે.”











