દિલ્હી: લોકસભામાં શુક્રવારે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી ધવલભાઈ પટેલે ‘આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025’ પર પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

સાંસદ ધવલ પટેલે આ બિલને માત્ર એક કર સુધારો નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય – એ બંને ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ – માટે સ્થિર અને જવાબદાર આવકનો સ્ત્રોત ઊભો કરવાનું સ્પષ્ટ અને નિયમ-આધારિત ઐતિહાસિક માળખું ગણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, “આ બિલ ફક્ત ટેક્સ રિફોર્મ નથી. પાન મસાલા જેવા ઉત્પાદનો પર ક્ષમતા આધારિત ઉપકર લાવીને સરકાર ખાતરી કરે છે કે આવા ઉત્પાદનો પણ રાષ્ટ્રની જરૂરિયાતોમાં વાજબી યોગદાન આપે. આનાથી દેશને આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે મજબૂત નાણાકીય પાયો મળશે.”  આ બિલને પારદર્શક, વિશ્વસનીય અને હેતુલક્ષી નાણાકીય વ્યવસ્થા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવતાં કહ્યું કે આવી વ્યવસ્થા દેશના લાંબા ગાળાના વિકાસ અને સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.

આ બિલ હેઠળ મળનારી આવકનો ઉપયોગ સીધો જ જાહેર આરોગ્ય ક્ષેત્રે તથા રાષ્ટ્રીય સુરક્ષા સાધનોના આધુનિકીકરણ માટે થશે, લોકસભામાં આ બિલ પર ચર્ચા ચાલુ છે અને તેને ટૂંક સમયમાં પસાર કરવાની શક્યતા છે.