કપરાડા: રાજકીયક્ષેત્રમાં યુવા આદિવાસી મહિલાને ગુજરાત પ્રદેશ કક્ષાએ પસંદગી થવું માત્ર પ્રેરણારૂપ નથી પણ યુવા મહિલા સશક્તિકરણ છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની સામાન્ય ચૂંટણી-2025માં કપરાડા તાલુકાના યુવા ચહેરા કુંજાલી પટેલે 1184 મતોના ભવ્ય બહુમતિ સાથે પ્રદેશ મહામંત્રી તરીકે વિજય મેળવીને પોતાનો પરચમ લહેરાવ્યો છે.

કુંજાલી પટેલે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્ય તરીકે કામ કરીને, યુવાનોને એકત્રિત કરવાના કાર્યથી લઈને ગામડાઓની વાસ્તવિક સમસ્યાઓ રાજકીય મંચ સુધી પહોંચાડવામાં કાયમ અગ્રસર રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં કુંજાલી પટેલની લોકો સાથે કામ કરવાની કાર્યશૈલીમાં પારદર્શિતા, જનસંપર્ક અને સમસ્યા-સમાધાનની પરખ ઉડીને આંખે વળગે એમ છે. આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશના પણ જે મૂળ પ્રશ્નો જેમ કે   આદિવાસી સમાજના લોકોની માળખાકીય સુવિધાઓનો અભાવ, શિક્ષણ, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય યુવાનોમાં રોજગાર ને એક ધરખમ અવાજ મળશે.

કુંજાલી પટેલની જીત માત્ર યૂથ કોંગ્રેસનો નહિ, પણ નાના વિસ્તારમાંથી રાજકીય કેરિયર બનાવવા થનગનાટ  અનુભવતા દરેક યુવાની આશાઓનો વિજય છે. આદિવાસી યુવા મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ અને પ્રદેશ મહામંત્રી તરીકે કુંજાલી પટેલના વિજયથી સમગ્ર વિસ્તારમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.