નાનાપોંઢા: જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં જોવા મળ્યાનું લોકો કહી રહ્યા છે. અમાધા ગામમાં વીજ થાંભલા પર એક ધામણ જાતિના સર્પને વીજકરંટ નીચે પટકયો હતો ત્યારે વાઈલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયાડે દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલી પોતાના મોઢાથી હવા ભરીને “CPR” આપતા સર્પ ફરી શ્વાસ લેતો થયો તેને જીવન આપ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ નાનાપોંઢાના આમધા ગામે નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ પુળા બાંધવાની કામગીરી કરતાં હતા. આ જ ખેતરમાંથી પસાર થતી થ્રી-ફેઝ પાવર લાઈનના થાંભલા પર ખોરાકની શોધમાં નીકળેલો “ધામણ” સાપ પર ચડી ગયો ત્યારે સાપનો સ્પર્શ જીવંત વીજ તાર સાથે થતા જોરદાર કરંટ લાગતાં સાપ લગભગ 15 ફૂટની ઊંચાઈએથી જમીન પર પટકાયો અને નિષ્યંતન હાલતમાં પડ્યો હતો, આ ઘટનાની જાણ થતા જ વાઈલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયાડે દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલી પોતાના મોઢાથી હવા ભરીને “CPR” આપવાનું શરૂ કરી દીધું. લગભગ 25 થી 30 મિનિટ સુધી આ પ્રક્રિયા કરતા ધામણ સાપના શરીરમાં હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરી શરૂ થયા હતા.
સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશ વાયાડ અને તેમના સહયોગી મિત્રોએ તેને નજીકના જંગલમાં મુક્ત કરી દીધો હતો. આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી તેને અભિનંદન આપ્યા હતા.











