નવીન: સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો બાદ રાજ્યના ગ્રામવિકાસ વિભાગે સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલોમાં રખડતા કૂતરાઓના પ્રવેશતા અટકાવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીને નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ગ્રામવિકાસ કમિશનરે એક પરિપત્ર જાહેર કરી આગામી 8 સપ્તાહમાં તમામ સરકારી પરિસરોમાં બાઉન્ડ્રી વોલ અને ગેટ જેવી સુવિધાઓ ઉભી કરવાના કડક આદેશ જારી કર્યા છે. રાજ્યભરમાં રખડતા ઢોર અને કૂતરાઓની સમસ્યા ગંભીર બની રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગ્રામવિકાસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે હવે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ કૂતરાઓના પ્રવેશ નિષેધ કરવા માટે વહીવટી તંત્રને સમયબદ્ધ કામગીરી સોંપવામાં આવી છે.
નવા આદેશ મુજબ, ગામડાથી લઈને જિલ્લા કક્ષા સુધી ચોક્કસ અધિકારીઓને ‘નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને આ કામગીરીની દેખરેખ રાખવાની રહેશે. ગ્રામ્ય કક્ષાએ: તલાટી કમ મંત્રી, તાલુકા કક્ષાએ: પશુચિકિત્સક અધિકારી, જિલ્લા કક્ષાએ: નાયબ નિયામકશ્રી (પશુપાલન) ફરજ બજાવવાની રેહશે.











