નવીન: 23 નવેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વીડિયો વાયરલ થયા છે. બન્ને વીડિયોમાં ભાષા-વિવેકનો પ્રશ્ન ઊઠ્યો છે. રાજનેતાઓની ભાષા/ પત્રકારોની ભાષામાં શાલિનતા/ ભદ્રતા/ નમ્રતા હોવી જોઈએ; કેમકે તેમની ભાષાનો પ્રભાવ લોકો પર પડતો હોય છે.

શાલિનતાનો અર્થ એ નથી કે આલોચના માટે કડક શબ્દો ન વાપરવા જોઈએ. પત્રકાર જો મૃદુ મૃદુ લખે તો એનો પ્રભાવ ન પડે. પત્રકાર પાસે ભાષાનું હથિયાર ધારદાર હોવું જોઈએ, જેવું સમકાલીનના પત્રકાર હસમુખ ગાંધી પાસે હતું. હસમુખ ગાંધી જાણે પેન એસિડમાં બોળીને લખતા હોય તેમ લાગતું હતું. તેમ છતાં તેમણે ભાષાની શાલિનતા જાળવી રાખી હતી. સભ્ય ભાષામાં પણ રિમાન્ડ લઈ શકાય છે.

આ નિયમ વિપક્ષના ધારાસભ્યો / સંસદસભ્યોને લાગુ પડે છે. સત્તાપક્ષના ધારાસભ્યો/ સંસદસભ્યો સરકાર સામે સામાન્ય રીતે જાહેરમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા નથી. હા, ક્યારેક નીચેના હોદ્દાવાળા પોલીસ સાથે માથાકૂટ કરતા હોય છે. આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું શિક્ષણ ઓછું છે તેથી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ‘આઠ પાસ મંત્રી’ તરીકે ઉલ્લેખ કરે છે. આવી ટિપ્પણીથી હર્ષ સંઘવીનો હોદ્દો ઘટી જવાનો નથી પરંતુ આવું બોલનારની ઈમેજ ખરડાય છે. એ જ રીતે હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જાહેરમંચ પરથી કહ્યું કે ‘ભણવાથી સંસ્કાર ન આવે !’ મતલબ કે જિગ્નેશ મેવાણી અસંસ્કારી છે. આ પણ ભાષાની શાલિનતા ન કહેવાય.

સ્વાભાવિક છે કે જ્યારે લોકોની હાજરી હોય, અને લોકોની વારંવારની ફરિયાદોને વાચા આપવા જિગ્નેશ મેવાણીએ ‘પટ્ટા ઊતારી લેવાની વાત કરી’ પરંતુ તેમાં પ્રામાણિક પોલીસને ખોટું લગાડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી; પણ જેઓ ફરજ વિરુદ્ધના કામો કરે છે તેવા પોલીસ અધિકારીઓને ચેતવણી આપવાનો આશય જિગ્નેશ મેવાણીનો હતો. વળી ‘પટ્ટા ઊતારી લઈશ’નો અર્થ જિગ્નેશ મેવાણી નોકરીમાંથી કાઢી મૂકશે તેવો નથી; એનો અર્થ એ છે કે જો લોકોની વારંવારની ફરિયાદ છતાં પોલીસ પોતાની ફરજ ન બજાવે તો તેમની વિરુદ્ધ પગલાં લેવા સરકારમાં રજૂઆત કરી કાર્યવાહી કરાવીશ.

પરંતુ જિગ્નેશ મેવાણીને ઊતારી પાડવા abo અસ્મિતાએ ‘હું તો બોલીશ’ શીર્ષક હેઠળ કાર્યક્રમ કર્યો. તેમાં દર્શકોએ જબરજસ્ત ટિપ્પણીઓ કરી : “ગુજરાતમાં દારુ કેમ વેચાય છે? પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કેમ કરે છે? પોલીસ ખેડૂતોને / આંદોલનકારીઓને મારઝૂડ કેમ કરે છે? સામાન્ય માણસની FIR પોલીસ કેમ નોંધતી નથી? પોલીસ લોકોની સાચી રજૂઆતો કેમ સાંભળતી નથી? શું પોલીસ સત્યનિષ્ઠાથી ફરજ બજાવે છે? શું પોલીસ નાગરિકોનું અપમાન કરતી નથી? ભ્રષ્ટાચારીઓ માટે જિગ્નેશ મેવાણીએ આકરી ભાષાનો ઉપયોગ કર્યો છે. પ્રામાણિક અધિકારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, એટલું તો સમજો. પ્રામાણિક IPS અધિકારી સતિષ વર્મા/ રાહુલ શર્માના પટ્ટા મોદીજીએ ઉતારી લીધા ત્યારે કેમ ચૂપ રહ્યા હતા? નકલી એન્કાઉન્ટર કરનારને મોદીજીએ મલાઈદાર હોદ્દાઓ પર કેમ મૂક્યા હતા? પછી એમણે જે લૂંટ કરી તે જાણતા નથી?”

આ ટિપ્પણીઓ સૂચવે છે કે લોકો જિગ્નેશ મેવાણી સાથે છે. છતાં પોલીસ કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલના પરિવારોને, પોલીસ લાઈનમાંથી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી કાઢવાનું આયોજન થઈ રહ્યું છે. જો આવી રેલી યોજાય તો માનવું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની દોરવણી છે ! સવાલ એ છે કે શું હર્ષ સંઘવી કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલના યુનિયનને મંજૂરી આપશે? ‘ગૃહમંત્રી આઠ પાસ છે’ એ મહત્ત્વનું નથી પરંતુ તેમના વિધાનો/ ભાષણમાં ટપોરી ટાઈપ ટિપ્પણી હોય તો તેની આકરી આલોચના થઈ શકે. તે બંધારણના અધિકારો વિરુદ્ધ / કાયદામાં ન હોય તેવી બાબતો બોલે તો તેમની જરુર રિમાન્ડ લઈ શકાય. મર્યાદાવાળી ભાષામાં આકરી ઝાટકણી જરૂર કાઢી શકાય.

ભાષા સમાજના નૈતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. એક સભ્ય સમાજ અપેક્ષા રાખે છે કે તેની ભાષા સૌમ્ય અને સંસ્કારી હોય. જેમ અનિયંત્રિત ભાષા સભ્યતાને નુકસાન પહોંચાડે છે, તેવી જ રીતે સભ્યતાના વિકાસ માટે સારી અને સભ્ય ભાષા જરૂરી છે. કોઈને બટકાં ભરતા હોઈએ તેવી ભાષા ન ચાલે. પત્રકારથી એવું બોલી કે લખી ન શકાય કે સરકારને પૂંઠે મરચું લાગી ગયું છે ! એ જ રીતે ધારાસભ્ય પોલીસને પટ્ટા ઊતારી લઈશ એવું ન કહી શકે. આવી ભાષા ફિલ્મમાં ખલનાયક બોલે તો ઠીક લાગે ! નાયકને આવી ભાષા ન શોભે. નમ્ર અને નરમ ભાષા સકારાત્મક સંદેશાવ્યવહારનું વાતાવરણ બનાવે છે. ભાષા આપણી સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે, તેથી તેનો આદર સાથે ઉપયોગ કરવો એ આપણા સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવાનો એક માર્ગ છે.

ધારાસભ્ય હાર્દિક પટેલે મોદીજી- અમિત શાહને ગુંડા કહ્યા હતા તે અવિવેકી ભાષા કહી શકાય, જો કે હવે હાર્દિકને તેઓ બન્ને પૂજ્ય લાગે છે ! મોદીજી જાહેરમંચ પરથી જ્યારે હદ બહારની નફરત ફેલાવે છે ત્યારે મને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની તીવ્ર ઈચ્છા થાય છે. પરંતુ મન વાળી લઉં છું કે કોઈકે તો સમજવું પડશે ને ! કેટલાક લોકો મને કહે છે કે ‘તમે મોદીજી કેમ લખો છો? મોદી જ લખો.’ પણ તેઓ વડાપ્રધાન છે ત્યાં સુધી મોદીજી લખીએ તો એક સભ્યતા જળવાય. મોદીજી લખીને આકરામાં આકરી આલોચના પણ કરું છું. કેટલાંક કહે છે કે ‘તમે ગૃહમંત્રીને તડિપાર કેમ કહો છો? તેમને કોર્ટે છોડી મૂક્યા છે.’ પરંતુ તડીપાર શબ્દ અમિત શાહ સાથે રુઢિપ્રયોગની જેમ જોડાઈ ગયો છે. જે રીતે મોદીજી સાથે ફેંકૂ શબ્દ જોડાઈ ગયો છે. એવા શબ્દો જેનાથી જે તે નેતાના ચરિત્રનો એક્સ-રે મળતો હોય તો તેવા શબ્દો વાપરી શકાય.

ભાષા આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. ટૂંકમાં નાયકે ખલનાયકની ભાષા ન વાપરવી જોઈએ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here