સુરત: સુરતમાં મહિલા તબીબના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે, મૃતકે 9માં માળેથી કૂદતા પહેલા ઝેરી દવા ખાધી હતી અને ચાય પાર્ટનર કાફેમાં બેસી ઝેરી દવા ખાધાનું ખુલ્યું છે, ઝેરની અસર જાણવા વિસેરાના સેમ્પલ લેવાયા છે, તો મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, મંગેતર સાથે નાની નાની બાબતે ઝઘડો થતો હતો અને રાધિકા અને કિશનની વોટ્સઅપની ચેટ મળી આવી છે.
રાધિકા કોટડીયાના 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા અને સરથાણા પોલીસે CCTV લઇ વધુ તપાસ શરૂ કરી છે, ડો. રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કાફેમાં આવતી હતી અને તેજ કાફેમાંથી તેણીએ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ડોક્ટર રાધિકાના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વ્હોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે. રાધિકાએ મંગેતરને વ્હોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે, ‘નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.’ આ સાથે બન્ને વચ્ચે વધુ વાત પણ થઈ હતી.
મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં ડો. રાધિકા જમનભાઈ કોટડિયા પરિવાર સાથે રહેતી હતી. રાધિકાના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે, જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. રાધિકા એક આત્મનિર્ભર યુવતી હતી. તેના પિતા રત્નકલાકાર હોવા છતાં તેમણે દીકરીને તેના પગ પર ઊભી કરવા તમામ પ્રયાસ કર્યા હતા. ડો. રાધિકાની છ મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમનાં લગ્ન થવાનાં હતાં. રાધિકા આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. દરરોજ સવાર-સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી. રાધિકા 21 નવેમ્બરની સવારે ડેઇલી રૂટિન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી. ત્યારબાદ બપોરે જમવા માટે ઘરે આવી અને પરત ક્લિનિક જતી રહી હતી. જોકે સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું હતું કે, હું યોગી ચોક જાઉં છું, કહી નીકળી ગઈ હતી. સાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી. ત્યાં અન્ય કપલો પણ હાજર હતાં અને બધા હળવાશની પળો માણી રહ્યાં હતાં. આ દરમિયાન રાધિકા અચાનક ખુરસી પરથી ઊભી થઈ અને પાળી ઉપર ચઢીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું. જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતાં આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા. રાધિકાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સરથાણા પોલીસે મૃતક રાધિકાનો મોબાઈલ ફોન કબજે લઈ તેમજ પરિવારના સભ્યોનાં નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે











