વાલોડ: ચૂંટણી કામગીરીમાં નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર પડતા અત્યધિક દબાણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારીઓનાં મોત થયાં છે ત્યારે આજે દક્ષિણ ગુજરાત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના BLO નો હાર્ટએટેકથી મૃત્યુ થયાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાઈ રહ્યો છે.
આદિવાસી બહુલ વિસ્તારોના જાણીતા સામાજિક કાર્યકર્તા બંટી ધોડિયાએ આ મુદ્દે આકરા પ્રહાર કરતાં ભાજપ સરકાર પર “તાનાશાહી” અને “જોહુકમી દબાણ”નો આરોપ મૂક્યો છે. તેમણે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “ભ્રષ્ટ ભાજપ તાનાશાહી સરકારના કાળા કહેર હેઠળ રોજબરોજ તણાવથી અસહ્ય દબાણ હેઠળ BLOની કામગીરી કરનારા માસૂમ કર્મચારીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, પરિવાર પોતાના મોભી ગુમાવી વેરવિખેર થઈ રહ્યા છે. આ લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે શરમજનક બાબત છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “માત્ર વિચાર કરું છું તો હૈયું કકળી ઊઠે છે. એક જાગૃત નાગરિક તરીકે હું આ જીવલેણ BLO કામગીરીનો સખત વિરોધ કરું છું.” #SaveBLO, #BLOUnderPressure, #GujaratGovernmentFail જેવા હેશટેગ્સ સાથે હજારો લોકો આ માંગણીમાં જોડાઈ રહ્યા છે.











