વલસાડ: ગતરોજ વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. રાત્રિના સમયે ખૂબ જ ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ સહિત નાના ભૂલકાઓ પણ આ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોને જનસભામાં જતા રોકવા માટે ખૂબ જ ડરાવવા ધમકાવવામાં આવે છે છતાં સ્વયંભૂ લોકોની ગુજરાત સભામાં સભામાં મોટી સંખ્યામાં પોતાની હાજરી આપી રહ્યા છે અને આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ખૂબ જ મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં બીજી પાર્ટીઓના ઈમાનદાર લોકો મોટી સંખ્યામાં જોડાયા પણ હતા.
જનસભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મને વારંવાર ધમકી આપવામાં આવે છે કે તમે ભાજપમાં જોડાઈ જાવ નહીં જોડાવ તો તમને જેલમાં નાખી દઈશું. ત્યારે અમે ભાજપને કહીએ છીએ કે અમે ભાજપમાં જોડાવા વાળા નેતા નથી અમે ભાજપને તોડવા વાળા નેતા છીએ. વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે કેવડિયા આવ્યા હતા અને કાર્યક્રમ કર્યા હતા ત્યારબાદ ફરીથી 15 મી નવેમ્બરના વડાપ્રધાનને અહીંયા આવવું પડ્યું આ તમારી અને અમારી તાકાત છે કે વડાપ્રધાનને 15 જ દિવસમાં ડેડીયાપાડામાં આંટા મારવા પડે છે. અમે આદિવાસી સમાજને જાગૃત કરીએ છીએ. બિરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરીએ છીએ એમની પ્રતિભા જ્યારે અમે મુકતા હતા માનગઢના કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ, RSSના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો કે તમે લોકો બિરસા મુંડાના વિચારોને કેમ ઉજાગર કરો છો અને જોગાનુજોગ વડાપ્રધાને આવીને અમે સ્થાપિત કરેલી બિરસા મુંડાની પ્રતિમાને ફુલ અર્પણ કરવા પડ્યા. આ તમારી અને અમારી તાકાત છે કે આજે આદિવાસી સમાજ, SC ST સમાજ, ઓબીસી સમાજ જાગી ગયો છે અને અધિકારની વાત કરે છે. આજે વડાપ્રધાનને પણ અહીંયા આવીને બિરસા મુંડા જયંતિ ઉજવવી પડે છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધાએ જોયું છે કે પાંચ વર્ષ પૂર્ણ થયા પહેલા મંત્રીમંડળ બદલાઈ હયું કારણ કે આજે આપણે લોકોને જાગૃત કર્યા છે અને જનતા તેમની પાસે જવાબ અને કામ માંગે છે ત્યારે આ ભાજપના લોકોએ મંત્રીમંડળ બદલી નાખ્યું તેમને કહ્યું કે આ મંત્રીમંડળથી બધા નારાજ છે અને નવા મંત્રીઓ લઈ આવ્યા. પરંતુ હું સરકારને કહેવા માગું છું કે તમારા મંત્રીઓ બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો 2027માં અમે સરકાર બદલી નાખીશું. અમે સરકારની વિરુદ્ધમાં લડીએ એટલે અમારા ઉપર કેસ થાય, મીડિયા વાળા છાપે એ લોકો ઉપર પણ કેસ થાય, વિરોધ પક્ષના ધારાસભ્યોને દબાવવાની વાતો થાય. મને પણ જેલમાં નાખી દેવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો પરંતુ હું ડર્યો નહીં. મારા વકીલોને અંદર આવવા દીધા નહીં કેસ લડવા દીધો નહીં મને જામીન મળ્યા નહીં અને તારીખ ઉપર તારીખ પડતી રહી અને 80 દિવસ સુધી મને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. મારા ઉપર યાતનાઓ ગુજારવામાં આવી. મારા પરિવારને પણ પીડા સહન કરવી પડી છતાં પણ એ લોકોના બે વર્ષ સુધી મને જેલમાં રાખવાના જે અરમાન હતા એ સફળ થયા નહીં અને તમારી પ્રાર્થનાઓથી દુઆથી હું 80 દિવસમાં જ જેલમાંથી બહાર આવી ગયો.











