વાંસદા: આજે વાંસદા તાલુકા માટે ગૌરવપ્રદ સમાચાર છે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની ISRO દ્વારા આયોજિત 10 દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી થઈ છે.
Decision News એ મેળવેલ જાણકારી પ્રમાણે 15 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન SAC-ISRO કેમ્પસ, અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાનો વૈજ્ઞાનિક રહેણાંક કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં ભવ્ય પટેલ પોતાના ‘ગ્રીન કોલ’ પ્રોજેક્ટને કારણે પસંદગી પામ્યા છે. આ કાર્યક્રમમાં ભવ્ય પટેલ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
અહીં ભવ્ય પટેલને અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહ, ટેક્નોલોજી, સંશોધન પદ્ધતિઓ, ભાવિ મિશનો, અવકાશ ટેકનોલોજીની દૈનિક જીવનમાં અસર અને STEM કારકિર્દી વિશે ઊંડું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તથા ISRO વૈજ્ઞાનિકો સાથે પ્રત્યક્ષ મુલાકાત, તાલીમ મેળવવાની તક મળશે. રંગપુર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ભવ્ય પટેલને અભિનંદન પાઠવ્યા છે.











