ગુજરાત: ભાજપના નેતાઓ બફાટ અને નફટાઈ પર ઉતરી આવ્યા હોય તેમ આદિજાતિ વિકાસ મંત્રી પી.સી.બરંડાએ જાહેરમાં કહ્યું કે, હું DSP હતો ત્યારે ફરિયાદ આવે તો પણ હું કહેતો, આદિવાસી દારુ જ પીએ ને..એ ના પીએ તો કોણ પીએ..
નસવાડીમાં, આદિવાસી ગૌરવ યાત્રા વખતે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ બાફ્યુ હતું. તેમણે જાહેરમાં કહ્યું કે, હું જ્યારે આ વિસ્તારમાં DSP હતો ત્યારે દારૂના દૂષણને દૂર કરવાને બદલે મે ઢીલાશ દાખવી હતી. મંત્રી પી.સી.બરંડાએ જાહેર મંચ પરથી કરેલા સંબોધનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંત્રી પી.સી. બરંડાએ સ્ટેજ પર પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને કહ્યુંકે, હું જ્યારે વર્ષ ૨૦૧૫માં આ વિસ્તારમાં ડીએસપી તરીકે આવ્યો ત્યારે દાદા (ધીરુભાઈ ભીલ) મારી પાસે આવીને દારૂના અડ્ડા વિશે ફરિયાદ કરતા હતાં. તે વખતે સંકલન સમિતીના બેઠકમાં ધીરુભાઈ ભીલ એવી રજૂઆત કરી કહેતા કે, સાહેબ, આ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે. ત્યારે હું કહેતો એ તો બધુ ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને.. થોડુ ઘણુ તો ચલાવવુ પડેને. આ સાંભળીને તેઓ મુક્તમને સ્ટેજ પર હસ્યા હતાં.
શું ગુજરાતનો આદિવાસી દારૂ પીવા જ જન્મ્યો છે ?
રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ DSP તરીકે કરેલી કામ ગીરીને લઈને હવે સવાલ ઉઠી રહ્યાં છેકે, ખુદ IPS અધિકારી પણ દારૂના દૂષણને લઈને કેટલી હદે ઢીલુ વલણ દાખવી રહ્યાં છે. એટલુ જ નહીં, પી.સી.બરંડા ખુદ આદિવાસી છે અને આદિવાસી યુવકો દારુના બંધાણી બની રહ્યાં છે ત્યારે તેઓ દૂષણમાંથી મુક્ત કરાવવાને બદલે ઢીલાશ દાખવી રહ્યાં હતાં તે મુદ્દે મંત્રી વિવાદ માં સપડાયાં છે.











