ઉનાઈ: આદિવાસી સ્વાભિમાનના જનનાયક બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવાઈ જેમાં PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવીને આદિવાસી સમાજને સંબોધિત કર્યા ત્યારે આ ઉજવણી વચ્ચે ગુજરાત વિધાનસભામાં બિરસા મુંડાના તૈલચિત્રને સ્થાન ન આપવા મુદ્દે રાજકીય વિવાદ ફરી સળવળ્યો છે.
આદિવાસી આગેવાનો અને વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર વારંવાર પત્રો અને રજૂઆતો છતાં વિધાનસભાના પોડિયમમાં અન્ય મહાપુરુષોની સાથે બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા તૈયાર નથી. આદિવાસી નેતા અનંત પટેલે કહ્યું કે, “વડાપ્રધાન પોતે 150મી જન્મજયંતીના નામે આદિવાસીઓને છેતરવા ડેડીયાપાડા આવે છે, પરંતુ વિધાનસભામાં જ્યાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને અન્ય મહાપુરુષોના ચિત્રો મુકેલા છે, ત્યાં બિરસા મુંડાનું ચિત્ર કેમ નથી મૂકાતું ?” બિરસા મુંડા બ્રિટિશ વસાહતી શાસન સામે ‘ઉલગુલાન’ આંદોલનના નેતા હતા, જેમણે આદિવાસીઓના જમીન અધિકારો અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો. વિપક્ષી કોંગ્રેસે આને ‘આદિવાસી વિરોધી વલણ’ ગણાવ્યું છે. આ મુદ્દે AAP ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા એક વખત અવાજ ઉઠાવી ચુક્યા છે.
ગુજરાત વિધાનસભામાં હાલ અનેક રાષ્ટ્રીય નેતાઓના તૈલચિત્રો આલેખાયેલા છે, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર વગેરેનો સમાવેશ થાય છે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓએ છેલ્લા કેટલાક વર્ષોથી આ માંગ ઉઠાવી છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો. બિરસા મુંડાને આદિવાસીઓના ‘ધરતી આબા’ તરીકેના યોગદાનને ઓળખવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનોની તૈયારીઓ ચાલુ છે, અને આગામી વિધાનસભા સત્રમાં આ વિષય ગુંજવાની શક્યતા છે.











