ઉનાઈ: ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વર્ષોથી અણઉકેલ્યા 13 પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને સંબોધીને પાઠવાયેલા પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે તો સમાજ ભગવાન બિરસા મુંડાના માર્ગે ચાલીને પોતાના હકો માટે આંદોલન કરવા મજબૂર બનશે. સંગઠનોએ જણાવ્યું છે કે દર વર્ષે બિરસા મુંડા જન્મજયંતિ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિકાસની વાતો થાય છે, પરંતુ જમીનિ સ્તરે વાસ્તવિક સમસ્યાઓ વર્ષોથી યથાવત છે.

ધારાસભ્ય અનંત પટેલ દ્વારા 13  પડતર માંગણીઓ , તાત્કાલિક ઉકેલ નહીં તો ભગવાન બિરસા મુંડાજી ના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે !

આદિવાસી સમાજની રજૂ કરેલી 13  મુખ્ય માંગણીઓ જેમાં આદિવાસી સંગઠનોની પ્રથમ માંગ છે કે 15 નવેમ્બર (બિરસા મુંડા જન્મજયંતિ) અને 9  ઓગસ્ટ (વિશ્વ આદિવાસી દિવસ)ને જાહેર રજા જાહેર કરવામાં આવે, ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરીને સાચા આદિવાસીઓને ન્યાય આપવામાં આવે અને તમામ સરકારી દસ્તાવેજોમાંથી ‘વનવાસી’ શબ્દ દૂર કરીને ‘આદિવાસી’ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે. શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્રે ફી-શિપ કાર્ડની મર્યાદા ₹8  લાખ સુધી વધારવામાં આવે, સહકારી તથા ખાનગી સંસ્થાઓમાં ST, SC, OBCની યોગ્ય ભરતી સુનિશ્ચિત કરવામાં આવે. ભરતી અને બઢતી પ્રક્રિયામાં રોસ્ટર આધારિત બેકલોગની તાત્કાલિક ભરતી/પ્રમોશન આપવામાં આવે તથા આઉટસોર્સિંગ અને નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિ બંધ કરીને રોસ્ટર મુજબ કાયમી ભરતી કરવામાં આવે. સાથે જ જાતિ પ્રમાણપત્રોની ખરાઈમાં થતો વિલંબ દૂર કરીને વર્ષોથી પડતર ફાઈલોના ઝડપી નિર્ણય લેવાય. વિકાસ અને જમીન સંબંધિત મુદ્દાઓમાં આદિવાસી વિસ્તારોમાં જળ–જંગલ–જમીનનું ખનન અને હનન તાત્કાલિક બંધ કરવામાં આવે, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સ્થાનિક રોજગાર આપે એવા ઉદ્યોગો સ્થાપવામાં આવે. અંબાજી–ઉમરગામ વિકાસ પ્રકલ્પ, દિલ્હી–મુંબઈ કોરિડોર, દાહોદ એરપોર્ટ તેમજ કેવડિયા વિસ્તારમાં જમીન ગુમાવનારા તમામ અસરગ્રસ્તોને બજાર ભાવ મુજબ યોગ્ય વળતર અથવા જમીનના બદલે જમીન આપવામાં આવે.

કેવડિયા વિસ્તારમાં ૧૯ ગામને મળેલા લાભ પ્રમાણે જ 6 ગામના અસરગ્રસ્તોને પણ તમામ હક અને લાભ આપવામાં આવે. વહીવટી માળખામાં રાજ્યમાં આદિવાસી આયોગની રચના કરવામાં આવે, ગાંધીનગર તથા તમામ જિલ્લાઓમાં આદિવાસી ભવનો બનાવવામાં આવે અને આદિવાસી વિસ્તારોમાં જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવે — તેવા એકમત સાથેના મુખ્ય અવિરત મુદ્દાઓ છે.

સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર જો આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વાસ્તવિક ઇચ્છા ધરાવતી હોય તો આ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જ પડશે. અન્યથા સમાજને આંદોલનની દિશામાં આગળ વધવું પડશે, જેની સરકારએ ગંભીર નોંધ લેવી જરૂરી છે.