ગુજરાત: કમોસમી વરસાદથી ધરતીપુત્રોના થયેલા પાક નુક્શાનને લઈને લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. જો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. તેની માહિતી આપી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મિડિયા X પર લખ્યું ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી અને નવું વર્ષ બગાડયું છે. ખેડૂતોના હાથમાંથી તૈયાર પાક છીનવાયો છે. ત્યારે ખેડૂત ફરી બેઠો થઈ શકે તેટલી સહાય કરવામાં આવે તેવી આશા ગુજરાતનાં નુકશાન વેઠી રહેલા ખેડૂતો કરી રહ્યા છે એ સત્ય છે. ટેલિફોનિક વાતચીતમાં Decision News ને ખેડૂતો કહે છે કે સમગ્ર ગુજરાતમાં કેટલા પ્રમાણમાં નુકશાન થયું છે તેની કોઈ ચોક્કસ વિગત આપવામાં આવી નથી જેના કારણે આ રાહત પેકેજ પૂરતું છે એમ કઈ રીતે માની લેવું ? સરકારે નુક્શાનના આંકડા મુજબ રાહત પેકેજ આપવું જોઈએ જેથી કરીને નુકશાન વેઠી રહેલા ખેડૂતોને સાચા અર્થમાં રાહત મળી શકે, કેટલાક ખેડૂતોએ ખુશી પણ વ્યક્ત કરી છે કે ચાલો સરકાર મદદે આવી ખરી..! મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે. આમ રાહત પેકેજને લઈને ‘કહી ખુશી કહી ગમ’ એમ કહી શકાય.
( વધુ અપડેટ માટે DECISION NEWS ના આગળના સમાચારો સાથે જોડાયેલા રહો.)











