ડેડીયાપાડા: આદિવાસી વિસ્તારો ડેડીયાપાડાના મોટા જાંબુડા ગામથી ગારદા (ડેડીયાપાડા નજીક)ને જોડતો કોઝવે રોડ આજે જીવલેણ જોખમ બની ગયો છે. અધુરા બાંધકામ અને તાજા કમોસમી વરસાદના કારણે ઠેર-ઠેર ખાડા પડ્યા હોવાથી વાહનચાલકોને ‘રસ્તો ખાડામાં છે કે ખાડાઓમાં રસ્તો છે’ એવું લાગે છે.
આ રોડ પરથી ડેડીયાપાડાના ગામડાઓમાં રોજગારી અને ખેતીમાંડી માટે હજારો લોકો જતા-આવે છે, પણ તેની બિસ્માર હાલતે અકસ્માતનો ભય વધારી દીધો છે. સ્થાનિકોની ફરિયાદો વધી રહી છે, પણ R&B વિભાગની ચૂપીએ અસંતોષ વધાર્યો છે. ગારદા અને ડેડીયાપાડા જેવા વિસ્તારોને જોડતો આ કોઝવે રોડ ક્રોસ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. પણ અધુરા બાંધકામને કારણે તે હંમેશા જોખમી રહ્યો છે. તાજેતરના ભારે વરસાદે તેને વધુ બગાડી દીધો છે.
સ્થાનિક લોકો કહે છે કે “આ રોડ પરથી ગામડાઓના ડાંગર, કપાસ અને અન્ય ખેતીના પાકોનું વેચાણ, ડેરી ઉત્પાદનો અને મજૂરીના કામ માટે લોકો વાહનો લઇ જતા હોય છે ત્યારે ખાડાઓને કારણે ગાડી ચલાવવી જીવનના જોખમે છે. અમારી માંગ છે કે આ કોઝવે રોડને તાત્કાલિક RCC કોંક્રીટથી મજબૂત બનાવવામાં આવે અને ખાડા ભરવા માટે ટેમ્પરરી પગલાં લેવામાં આવે. આ બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં જીવ જશે નો ડર લોકોને હંમેશા સતાવતો રહે છે. લોકોની આ વેદના કોણ સાંભળશે ? આ પ્રશ્નનો જવાબ તો તંત્ર જ આપી શકે..











