સૌરાષ્ટ્ર: ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન થવા જઇ રહ્યું છે, જેમાં બોટાદવાળી થવાનો ડર છે. સૌરાષ્ટ્રએ ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માંગ ઉઠી રહી છે. હવે જોવું એ રહ્યું કે, ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું અને કેટલુ સળગશે..!

કડદા પ્રથા એટલે શું ?

જ્યારે કોઈ ખેડૂત પોતાની જણસ લઈને APMCમાં વેચાણ માટે જાય છે, ત્યા તે જણસની ખુલ્લામાં હરાજી કરવામાં આવે છે અને તેને ખરીદી કરેલા વેપારીના જીન પર નાંખવા માટે જ્યારે ખેડૂત જાય છે ત્યારે તેના જણસની ગુણવત્તાને લઈને કે બીજી કોઈ રીતે APMCમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેના કરતા ઓછા ભાવ આપવામાં આવે છે, તેને કડદો કહેવામાં આવે છે. (ઉદાહરણ તરીકે: કોઈ ખેડૂત માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા માટે જાય છે અને વેપારી દ્વારા કપાસને 1350 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને ખેડૂતને ચીઠ્ઠી આપીને વેપારીના જીનમાં ખાલી કરવા માટે મોકલવામાં આવે છે, જ્યા વેપારીના બીજા માણસો જ્યારે ખેડૂત કપાસ ઉતારતો હોય ત્યારે તેનો કપાસ ચેક કરવા આવે છે અને કપાસની ગુણવત્તા અને ખરાબ હોવા જેવા વિવિધ બહાના કાઢીને APMCમાં આપવામાં આવેલા 1350 ભાવ ઓછા 900 રૂપિયાનો જ હોવાનું જણાવે છે અને જ્યારે ખેડૂત આજીજી કરે છે ત્યારે કપાસના ભાવમાં 1000 રૂપિયા સુધી ભાવ કહે છે. આખરે ખેડૂત ઓછા ભાવે માની જાય છે, ત્યારે ખેડૂતનો 1350 રૂપિયાનો કપાસ 1000 રૂપિયામાં ખરીદે છે એટલે તેમાં 350 રૂપિયાનો કડદો વેપારીએ કર્યો કહેવાય.)

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું 250 મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી. તે ઉપરાંત બોટાદના કડદા ગામમાં 85 ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે.

આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીમખેડાના સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here