કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના વિસ્તારમાં ગોરા ગામ પાસે આવેલા નર્મદા ઘાટ પાસે ભેખડ ધરાશાયી થવાથી ત્રણ આદિવાસી શ્રમિકોના મોત થયા છે, આ ઘટના ગત રવિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવાયું છે, પરંતુ સ્થાનિક કોઈ પણ નેતાઓએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું છે.. કેમ શું રંધાઈ રહ્યું છે આ મામલામાં.. શું 31 તારીખે વડાપ્રધાન મોદી આવવાના છે તેને લઈને આ ઘટનાને દબાવી દેવાનું આયોજન છે ? લોકોમાં અનેક તર્કવિતર્ક સાંભળવા મળી રહ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ 24 કલાક પછી પણ મૃતકોની લાશો ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં જ છે અને તેમના પરિવારો ત્યાં રાહ જોઈ રહ્યા છે. મૃતક શ્રમિકોની ઓળખ અક્તેશ્વર (નીચલું ફળિયું) ગામના રહેવાસી તરીકે થઈ છે. તેઓ નીચે મુજબ છે: 1. શૈલેષભાઈ કનુભાઈ તડવી (35 વર્ષ) 2. દિલીપભાઈ ભાણાભાઈ તડવી (47 વર્ષ) 3. રોહિતભાઈ રણછોડભાઈ તડવી (45 વર્ષ) આ તમામ મૃતક તડવી આદિવાસી સમુદાયના સભ્યો છે.
સ્થાનિક સ્ત્રોતો અનુસાર, ભેખડની આ અચાનક ધરાશાયીને કારણે શ્રમિકો દબાઈ ગયા હતા અને તુરંત તેમને નજીકની ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણેયનું મોત ઘટના સ્થળે અથવા હોસ્પિટલ પહોંચતા પહેલાં જ થઈ ગયું હોવાનું કહેવાય છે. આવી દુર્ઘટનાઓ આ વિસ્તારમાં પહેલાં પણ બની છે, જેમ કે ૨૦૧૮માં એક શ્રમિકનું પડતા મોત થયું હતું. તડવી સમુદાયના લોકોએ પર્યટન વિકાસ વિરુદ્ધ વારંવાર વિરોધ વ્યક્ત કર્યો છે, આ ઘટનામાં હજુ સુધી કોઈપણ સ્થાનિક આદિવાસી નેતાઓનું નિવેદન આવ્યું નથી જે ખરેખર ચોકાવનારું છે ? લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે 31 તારીખે વડાપ્રધાન મોદી આવવાના છે તેને લઈને આ ઘટનાને દબાવી દેવાનું આયોજન છે.
નોંધ: નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંભીર દુર્ઘટના, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ પાસે આવેલ નર્મદા ઘાટ પાસે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બાંધકામ દરમિયાન ભેખડ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના ગતરોજ સાંજના ૬ વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી મળી રહી છે.











