કેવડિયા: ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે એક ખેડૂતે 15 દિવસથી અનાજનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેની હાલત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે વહીવટી તંત્રે તેમના ઊભા પાકમાં JCB લગાવીને પાકને નુકસાન પહોંચાડ્યું અને નવા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દીધી. સ્થાનિક આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે જ્યારે પણ દેશના વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવે છે, ત્યારે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર તેમની ખેતીલાયક જમીનો વળતર વિના સંપાદિત કરી લે છે. આ પ્રક્રિયામાં પોલીસનો કાફલો ખડકીને કામગીરી શરૂ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ખેડૂતોની એકમાત્ર માગ: વળતર અને જમીનની સામે જમીન
ખેડૂતોની માગ સ્પષ્ટ છે કે જો તેમની જમીન સંપાદિત કરવામાં આવે તો યોગ્ય વળતર આપવામાં આવે અને જમીનની સામે જમીન આપવામાં આવે. જોકે, વહીવટી તંત્ર આ બાબતે કોઈ પ્રત્યુત્તર આપતું નથી, જેના કારણે ખેડૂતોમાં નિરાશા અને આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતો પ્રશ્ન ઉઠાવે છે કે, “ક્યાં સુધી આદિવાસીઓને જમીન વિહોણા કરવામાં આવશે?”
આ ઘટના એ વિસ્તારમાં બની રહી છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવેલી છે. સ્થાનિકોનું માનવું છે કે જો આજે સરદાર પટેલ જીવિત હોત, તો તેઓ આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખુદ આંદોલન કરતા. પરંતુ હાલની સ્થિતિમાં સ્થાનિક નેતાઓ મૌન છે, અને ખેડૂતોનો આવાજ બનવા માટે કોઈ સંગઠન આગળ આવતું નથી.
ખેડૂતોનો સવાલ: અમારો આવાજ કોણ બનશે?
આદિવાસી ખેડૂતોની આ લડાઈ માત્ર જમીનની નથી, પરંતુ તેમના અસ્તિત્વ અને અધિકારોની છે. તેઓ પૂછે છે કે તેમના હક માટે કોણ લડશે? શું કોઈ સંગઠન અથવા નેતૃત્વ આ અન્યાય સામે અવાજ ઉઠાવશે? હાલમાં આ પરિવારોની વેદના અને આક્રોશને ન્યાય મળે તે માટે સમાજના તમામ વર્ગોનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચાઈ રહ્યું છે.











