અંકલેશ્વર: અંકલેશ્વરમાં હવે નવા એક્સપ્રેસ હાઇવે પુન ગામ નજીક ચકકાજામ સર્જાયો હતો. રાત્રીથી લઇ દિવસ દરમિયાન વાહનો કતાર જોવા મળી હતી. ગ્રામજનો એ ભારદારી વાહનો પર રોક લગાવવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. અંકલેશ્વરના પુન ગામ નજીક ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે પુન ગામથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગત રાતથી જ આ ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ હતી. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહનચાલકો આ ટ્રાફિકમાં ફસાયા હતા,જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ પુન ગામ નજીક એક્સપ્રેસ વે ની કનેક્ટિવિટી માટેનો રસ્તો સાંકડો હોવાનું જણાઈ રહ્યું છે.
ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી હાજર ન હોવાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે વાહન ચાલકો કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.ભારદારી વાહનો અને લક્ઝરી બસો પર રોક લગાવવામાં આવે, સ્પીડ બ્રેકર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા સાથે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

