પારડી: પારડી તાલુકાના સોનવાડા ગામમાં 15 વર્ષ જૂના જમીન વિવાદના કારણે એક આધેડ વ્યક્તિ પર ધારીયા વડે હુમલો.આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના સોનવાડા ગામના ઉગમણું ફળીયામાં સવારે આશરે પોણા દસ વાગ્યે બની હતી.ફરિયાદી મહિલા પોતાના પિતા અને પરિવાર સાથે ઘરકામમાં વ્યસ્ત હતી. તેઓ પોતાની બહેન સાથે ખેતરમાં ભાત જોવા ગયા ત્યારે પિતાની ચીસો સાંભળીને દોડી આવ્યા હતા.ત્યાં તેમણે જોયું કે પાડોશી રમેશભાઈ કકિાભાઈ પટેલ તેમના પિતા પર ધારીયા વડે હુમલો કરી રહ્યા હતા. આ હુમલામાં પીડિતને બંને પગના નળાના ભાગે, જમણા હાથમાં અને ચહેરાના ડાબા ગાલ પર ગંભીર ઇજાઓ થઈ હતી.
પાડોશી મહિલા અને પરિવારજનોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.પીડિતને મોહનદયાળ હોસ્પિટલ, પારડી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ હુમલો 15 વર્ષ જૂના જમીન વિવાદને કારણે થયો છે. અગાઉ થયેલી જમીન વેચાણ પ્રક્રિયામાં હુમલાખોર અસંતુષ્ટ હતો અને તે જ અદાવત રાખી તેણે આ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પારડી પોલીસે આરોપી રમેશભાઈ કકિાભાઈ પટેલ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

