વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં કુલ ₹9.52 કરોડના ખર્ચે નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, મનપા દ્વારા ₹19.64 કરોડના 12 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.વટાર ખાતે કલારીયા રોડ પર બનેલા આ નવા ITIના લોકાર્પણથી વાપી તાલુકાના યુવાનોને ઘરઆંગણે વ્યવસાયલક્ષી તાલીમ મેળવવાની તક મળશે.
હાલમાં આ સંસ્થામાં 7 ટ્રેડમાં 21 બેચ કાર્યરત છે, જેમાં 208 તાલીમાર્થીઓ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. ખાતમુહૂર્ત કરાયેલા ₹19.64 કરોડના 12 કામોમાં 6 રસ્તાના કામો માટે ₹13.07 કરોડ, લાઈટ વિભાગના 3 કામો માટે ₹1.58 કરોડ અને પાણી વિભાગના 3 કામો માટે ₹4.99 કરોડનો સમાવેશ થાય છે.આ વિકાસ કાર્યો વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે.આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ થયા બાદ રસ્તા, સ્ટ્રીટલાઈટ અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ જેવા અનેક વિકાસ કામો શરૂ થયા છે.
મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત વણથંભી વિકાસયાત્રા પર આગળ વધી રહ્યું છે, જ્યાં દરેક ગામમાં 24 કલાક વીજળી, સોલાર નીતિ અને વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મળી રહ્યો છે.મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને જીએસટીના દરોમાં ઘટાડો કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની બચત સુનિશ્ચિત કરી છે. તેમણે વાપી મનપામાં સમાવેશ થયેલા ગામોના નાગરિકોને ટેક્સ અંગે ચિંતા ન કરવાની ખાતરી પણ આપી હતી.કાર્યક્રમ દરમિયાન વાપી મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીએ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નાયબ નિયામક વી.એ. ટંડેલે નવા ITIના માધ્યમથી સ્થાનિક યુવાધનને મળનારી વ્યવસાયલક્ષી તાલીમના મહત્વ પર ભાર મૂક્યો હતો.

