વાંસદા: ગતરોજ વાવાઝોડા અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલા ભંડોળમાં કથિત છેતરપિંડીના મામલામાં વાંસદાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વાંસદા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં લખેલ ફરિયાદ મુજબ આ કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. વાવાઝોડા અસરગ્રસ્તોને મદદ કરવાના નામે QR કોડ ફરતો કરીને આશરે 1 લાખ રૂપિયા એકત્ર કરાયા હતા જેનો બાદમાં દુરુપયોગ થયો હોવાનું જણાવાય રહ્યું છે. આ રેલી વાંસદાના જુના બસ સ્ટેન્ડ ખાતેથી શરૂ અને એમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સીણધઈના સરપંચ પણ જોવા મળ્યા હતા આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.
આ મુદ્દે વાંસદાના સીણધઈ ગામના સરપંચ રાજેશ પટેલે પહેલાં પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમણે વાંસદા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉનાઈના સરપંચ મનીષ પટેલ અને સીણધઈના બે કોંગ્રેસ કાર્યકરો સામે આરોપો લગાવ્યા છે.

