નર્મદા: આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલા જેવી સંકટની પરિસ્થિતિનો સામનો કરવા માટે એક વ્યાપક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોકડ્રિલ દરમિયાન નદી માર્ગે ક્રૂઝ દ્વારા બે આતંકવાદીઓ SOUના પ્લાઝા પોઈન્ટ મેઈન ગેટ તરફ ઘૂસી ગયા હતા. તેઓએ ત્યાં ફાયરિંગ કર્યું અને ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો હતો.
આ ઘટનાની જાણ તાત્કાલિક SOU ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રને થતાં, નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.કંટ્રોલ રૂમના સૂચન બાદ પોલીસ, ફાયર, આરોગ્ય અને અન્ય સંબંધિત તંત્રની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. SOUના ગેટ નંબર-3 પાસે SOG, LCB અને BDDSની ટીમને ઓપરેશન કમાન્ડન્ટ દ્વારા કાર્યવાહી અંગે બ્રિફિંગ આપવામાં આવ્યું. ગાંધીનગર ચેતક કમાન્ડોની ટીમને આતંકવાદીઓને કાબૂમાં લેવા માટેની કામગીરી સોંપવામાં આવી.આતંકવાદીઓ દ્વારા ફરજ પરના CISFના જવાનોને ઘાયલ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કમાન્ડો ટીમે સરદાર કક્ષાની અંદર પ્રવેશ કરીને આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા અને તેઓ દ્વારા બંધક બનાવેલા બે કર્મચારીઓને છોડાવ્યા હતા.
ઘટનાસ્થળે હાજર આરોગ્ય વિભાગની ટીમે એમ્બ્યુલન્સમાં ઘાયલોનું પ્રાથમિક ચેકઅપ અને સારવાર કરી હતી, અને આમ સમગ્ર મોકડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મહત્વપૂર્ણ મોકડ્રિલ દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો સંવાદ, કોઓર્ડિનેશન અને સમયસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જે ખૂબ જ આવશ્યક છે.મોકડ્રિલના અંતે તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં CISF, SOG, LCB, ચેતક કમાન્ડો ફોર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ, ફાયર અને SOU વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

