નવસારી: જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યાં બંને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા છે.મટવાડ ગામના મોખલા ફળિયામાં તળાવ કિનારે આવેલા આ મંદિરમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો.
આરોપીઓમાં વિજલપોરના રોહન ભાગવતભાઈ પાટીલ (ઉં.વ. 28, મજૂરી) અને આશિષ રામચંદ્ર સરોજ (ઉં.વ. 21, રિક્ષા ડ્રાઈવિંગ)નો સમાવેશ થાય છે. બંને યુવાનોએ સ્ટીલની દાનપેટીના કાણામાંથી લાકડાની સળી વડે પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચોરીનો પ્રયાસ કરતા ગ્રામજનોએ તેમને રંગેહાથ પકડી પાડયો હતા. આ અંગે મટવાડ ગામના અશ્વિનભાઈ વલ્લભભાઈ પટેલે જલાલપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં દેખાય છે કે બંને ચોરો પહેલા મંદિરની બહાર બેસીને કોઈની અવરજવર ન હોવાની ખાતરી કરે છે. ત્યારબાદ તેઓ ધીમેથી મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ બંને મૂર્તિને પ્રણામ કરતા અને હાથ જોડીને બેસતા પણ દેખાય છે.પોતાની ઓળખ છુપાવવા માટે બંનેએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. સાંજના સમયે મંદિર પરિસરમાં કોઈ ન હોવાનો લાભ લઈને તેમણે ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોની સતર્કતાને કારણે તેઓ પકડાઈ ગયા. આ કેસની વધુ તપાસ જલાલપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા લાલજી મોતીજી કરી રહ્યા છે.

