તાપી: શહેરમાં વધતા ટ્રાફિકના ભાર અને સુરક્ષા દૃષ્ટિએ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. વ્યારા શહેરના મુખ્ય માર્ગો માયપુર ત્રણ રસ્તા, વીરપુર ત્રણ રસ્તા, જનક નાકા, મિશન નાકા , કલેકટર કચેરી સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચાલેલા આ અભિયાનમાં પોલીસ ટીમોએ તમામ વાહનોની વિગતવાર તપાસ કરી.
તાપી જિલ્લામાં ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર સલીમ શેખ તથા તેમની ટીમ સંકલિત આ કામગીરી દરમિયાન વાહનચ લકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યું. હેલ્મેટ ન પહેરવા, વીમા વિના વાહન ચલાવવું, બિનલાયસન્સ વાહન ચલાવવું, તેમજ ટ્રિપલ સીટિંગ જેવા નિયમ ભંગના અનેક કેસો નોંધાયા. આ અભિયાન દરમ્યાન આશરે 100થી વધુ હેલ્મેટ ભંગના કેસો તથા અન્ય વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ રૂ. 46,000 જેટલા દંડના ઓનલાઈન ફટકારવામાં આવ્યો હતો.
પીઆઈ સલીમ શેખે જણાવ્યું કે તહેવારોના દિવસોમાં નાગરિકોની સુરક્ષા પોલીસ માટે પ્રથમ પ્રાથમિકતા છે. તેથી ટ્રાફિક નિયમોનું પાલન દરેક નાગરિક માટે ફરજિયાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા દિવસોમાં પણ આવી ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે જેથી અકસ્માતની સંભાવનાઓ ઘટે અને લોકોમાં જાગૃતિ ફેલાય.ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી કે હેલ્મેટ તથા સીટબેલ્ટનો ઉપયોગ નિયમિત રીતે કરે અને દારૂ પીધેલી હાલતમાં વાહન ન હંકારવું. સલામત ચાલો, નિયમોનું પાલન કરો અને તહેવારોને ઉજવો એવો સંદેશ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવ્યો.

