વલસાડ: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ રેલવેના વલસાડ ખાતે આવેલા સૌથી મોટા રેલવે સુરક્ષા દળ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના દિવસે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રેલવે મંત્રીએ સાંસદ ધવલ પટેલે રજૂ કરેલા પ્રશ્નોને ધ્યાને લઇ વલસાડમાં છેલ્લા 1 વર્ષથી અસહ્ય યાતના ભોગવી રહેલા શહેરીજનોની અવરજવર અને ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણની જાહેરાત કરી વલસાડનું દિલ જીતી લીધું છે.રેલવેએ બંધ કરેલા માર્ગો ખોલવા માટે નક્કી કરવાની જાહેરાત આરપીએફનો સ્થાપના સમારોહ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.
મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદમાં મંત્રીએ જણાવ્યું કે, આરપીએફમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી સેફટી અને સિકયુરિટીને વધુ મજબૂત બનાવવા આજે સંકલ્પ લીધો છે.વલસાડમાં રેલવે સંબંધિત પ્રશ્નોનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું કે, ટ્રેનના પ્રશ્નો માટે વલસાડ સાંસદ સૌથી એક્ટિવ છે અને તેઓ દિલ્હીમાં સતત ફોલોઅપ લે છે.મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષથી સ્ટેશન રોડ પર ઉડીપી સામે રેલવેએ બંધ કરેલા રસ્તાને ખોલવા,ટ્રાફિક હળવુ કરવા એસપી કચેરી સામેનો રસ્તો અને કલ્યાણ સર્કલનો રસ્તો ખુલ્લો કરવા સાંસદ ધવલ પટેલે સતત રજૂઆતો કરી હતી.જેથી વલસાડ શહેરમાંલોકોની ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉકેલવા માટે એસપી કચેરી સામે અને ઉડીપી સામેના બંધ રસ્તાને ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રેલવે મંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે,વલસાડ શહેરના છીપવાડ, ગુંદલાવ અને મોગરાવાડીમાં આરઓબી, ડુંગરી અને ઉદવાડામાં અંડર પાસ બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે.વલસાડમાં ત્રણ અન્ડરપાસ પર આરઓબી બનશે તો વલસાડની સૌથી મોટી ટ્રાફિક અને અવરજવરની સમસ્યાનો અંત આવનારા દિવસોમાં આવી શકે છે તેવી ઐતિહાસિક વિગતો રેલવે મંત્રીએ સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

