વલસાડ: રોજીંદા નાના મોટા હજારો વાહનચાલકોના ધસારાથી વ્યસ્ત મહારાષ્ટ્રને પણ જોડતા નાનાપોંઢા- કપરાડા ને. હા. 56 હજુ પણ ખખડધજ હલતમાં હોય વરસાદે વિદાઇ લેતા ધૂળીયા બનેલા આ માર્ગથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતાં તંત્રએ મરામતની તસ્દી લીધી નથી. નાનાપોંઢાથી ધરમપુર તરફ જતો નેશનલ હાઈવે નંબર 56 હાલ ધૂળિયો બની ગયો છે.
માર્ગ પર ડામર ઉખડી જતા વાહનો પસાર થાય છે ત્યારે ભારે ડમરીઓ ઉડે છે, જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. ધૂળના ઘૂમ્મસા વચ્ચે દૃશ્યતા ઘટી જવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે.તે જ રીતે, નાનાપોંઢાથી કપરાડા તરફ જતો નેશનલ હાઈવે નંબર 848 પણ ખરાબ હાલતમાં છે. રસ્તા પર મોટા ખાડા, ઉખડેલો ડામર અને અસમાર સપાટી હોવાને કારણે લોકો તોબા બોલી ઉઠે છે. રોજિંદા આવન-જાવનમાં વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.
તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.નાનાપોંઢા, કપરાડા અને ધરમપુરને જોડતા આ હાઈવે દક્ષિણ ગુજરાતનો મહત્વનો માર્ગ ગણાય છે, જે પર રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. પરંતુ માર્ગની હાલત જોતા લોકો કહે છે કે “હાઈવે નહીં, ધૂળિયો રસ્તો બની ગયો છે.લોકો તેમજ વાહન ચાલકોની એકજ માંગ છે કે તાત્કાલિક ધોરણે હાઈવેની મરામત કરીને મુસાફરી માટે સુવિધાજનક બનાવાય તેવી માંગ કરી રહ્યા છે.

