મહુવા: વાવાઝોડાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં વિનાશનું કાળું વાદળ વરસ્યું. તોફાને વૃક્ષોને ઉખળી નાખ્યા, રસ્તાઓ બ્લોક બન્યા, ઘરોના પતરાં ઉડાવી દીધા, વીજળીના ખંભા તૂટી પડ્યા, ગામના અનેક આદિવાસી પરિવારો નિરાધાર બન્યા, આવી કઠોર પરિસ્થિતિમાં, ખેરગામાના આદિવાસી સમાજના યુથ લીડર ડો. નીરવ પટેલે મદદનો લંબાવેલો હાથ આગળ વધારીને ગામના લોકોના દિલ જીતી લીધા.
ડો. નીરવ પટેલ, જેઓ ખેરગામના પ્રખ્યાત ડોકટર આદિવાસી યુવા નેતા અને સમાજસેવક છે, તેમણે આ વિપત્તિને તક તરીકે જોઈ. તેમણે પોતાની યુવા ટીમ સાથે વહેવલ ગામમાં પહોંચી ગયા. ડો. નીરવએ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું. પ્લાસ્ટિક શીટ્સ વિતરિત કરીને વિના છતવાળા પરિવારોને આશ્રય આપ્યો. “આદિવાસી સમાજના લોકો પર આવી પડેલી વિપત્તિમાં સાથે ઊભા રહેવું જ પડે છે. આ મારી જવાબદારી છે,” એમ કહીને તેમણે ગામના લોકોને આશ્વાસન આપ્યું.
ડો. નીરવે લોકોની વાતો સાંભળી એમના દુઃખદાયક પરિસ્થિતિમાં મદદનો હાથ આપ્યો. ગામના એક આદિવાસી યુવાને ટેલીફોનીક વાત કરતાં Decision News ને જણાવ્યું કે, “ડો. નીરવભાઈ આવ્યા તો લાગ્યું કે અમે એકલા નથી. તેઓએ માત્ર મદદ જ નહીં, પણ આશા પણ આપી. અમારી મુશ્કેલીઓ સાંભળી.” એક યુવતી પણ ટેલીફોનીક વાત કરતાં કહ્યું કે, “વાવાઝોડાએ અમારા ઘરની છત છીનવી લીધી તો લાગ્યું કે અમારા પર આભ ફાટી પડયું, પણ ડો. નીરવનો લંબાવેલો મદદનો હાથ અમારા દિલમાં સ્થાન મેળવ્યું છે.
વહેવલ ગામની આફત ટળી, અને સ્થિતિ હાલે સુધરી રહી છે ત્યારે ડો. નીરવ પટેલનું નામ આદિવાસી યુવાનોના આદર્શ તરીકે ગુંજી રહ્યું છે. તેમની સેવાએ સાબિત કર્યું કે વિપત્તિમાં યુવાનોની શક્તિ અને સેવાભાવ જ સમાજને બચાવે છે. આજે તેઓ આદિવાસી સમાજમાં યુવાનોના પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે એમ કહેવું પણ ખોટું નથી.

