જૂનાગઢ: ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલમાં સિંહ દર્શન માટે પધારેલા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવાસનો એક કાર્યક્રમ સ્થાનિક આદિવાસી સમુદાય માટે તેમની સમસ્યાઓ રજૂ કરવાનો અણધાર્યો મંચ બની અને સાસણ ગીરના સિંહ સદન ખાતે આયોજિત જનજાતિ સંવાદ કાર્યક્રમમાં આદિવાસી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે ‘અમારો અવાજ દબાવી દેવાય છે’ , ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા આ ઘટનાઅં સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર ગભીર પ્રરશ્નો ઉભા કર્યા છે.

કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જનજાતિના લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા, એક આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિનું ધ્યાન દોરતા જણાવ્યું કે તેમને સરકારી યોજનાઓ હેઠળ મળવાપાત્ર સુવિધાઓ અને રાશન પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેમણે વેદના વ્યક્ત કરતાં કહ્યું, “અમને મહિનામાં માત્ર 2 કિલો રાશન મળે છે, જેમાં અમારું ગુજરાન થલાવવું અત્યંત મુશ્કેલ છે. અમારા સમુદાયના મોટાભાગના લોકો પાસે રોજગારી નથી, જેના કારણે અમારે બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડે છે.”

આટલે થી ન અટકતાં, મહિલાએ વધુમાં જણાવ્યું કે જ્યારે પણ તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્થાનિક સ્તરે તેમના અવાજને દબાવી દેવામાં આવે છે. આ ગંભીર ફરિયાદો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ અત્યંત સંવેદનશીલતાથી તેમની દરેક વાત ધ્યાનપૂર્વક સાંભળી. મહિલાઓની ખુલ્લી રજૂઆતથી ત્યાં હાજર રાજ્યના વનમંત્રી, જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાષ્ટ્રપતિએ તુરંત જ જવાબદાર અધિકારીઓને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને આ પરિવારોને યોગ્ય સુવિધાઓ મળે તે સુનિશ્ચિંત કરવા માટે કડક તાકીદ કરી હતી. એટલું જ નહીં, તેમણે આ મહિલાઓને દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ સમક્ષ થયેલી આ સીધી ફરિયાદને કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે છેવાડાના વિસ્તારની મહિલાઓની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો થઇ રહ્યા નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here