વાંસદા: થોડા દિવસો અગાઉ આવેલા વાંસદા તાલુકાના સિંણધઇ ગામમાં ચક્રવાતમાં લોકોને ભારે હાલાકી ઉભી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાવઝોડામાં પ્રભાવિત લોકોની મદદના કરવા માટે લોકોએ ડોનેશન આપ્યા હતા ત્યારે આ ડોનેશનમાં ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો વિવાદ ઉભો થયો છે અને વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સિંણધઇ ગામના સરપંચ રાજેશભાઇ મનુભાઇ પટેલે ફરિયાદમાં લખાવેલ માહિતી મુજબ, 27મી સપ્ટેમ્બરના રોજ આવેલા ચક્રવાતને કારણે ગામના હોળીમોરા અને દુટાળાઆંબા ફળિયામાં 158 જેટલા મકાનોને ભારે નુકસાન વેઠવું પડયું હતું. આ કુદરતી હોનારતથી લગભગ 500 લોકો પ્રભાવિત બન્યા ત્યારે અનેક સેવાભાવી લોકો મદદ માટે આગળ આવ્યા હતા. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ગામના મયુરભાઇ પટેલ, હાર્દિકભાઇ પટેલ અને ઉનાઈના મનિષભાઇ પ્રવિણભાઇ પટેલે કાવતરું રચ્યું હતું. સરપંચ રાજેશભાઇ પટેલને જાણ કર્યા વગર સિંણધઇ ગ્રામ પંચાયત અને સરપંચ તરીકે તેમના નામ અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એક ઇલેક્ટ્રોનિક પેમ્ફલેટ બનાવ્યું. આ પેમ્ફલેટને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પીડિતોને આર્થિક મદદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. મદદ માટે તેમણે પોતાના અંગત QR કોડ સ્કેનર મૂક્યા હતા. જેના દ્વારા અનેક સેવાભાવી લોકોએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા. લગભગ એકાદ લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી હોવાની અને તેમાંથી મોટાભાગની રકમ પીડિતો સુધી પહોંચાડવાને બદલે અંગત ખાતામાં જમા રાખી હોવાની જાણ સરપંચને થઈ. આ સમગ્ર કૌભાંડની જાણ થતાં સરપંચ રાજેશભાઈ પટેલે ગામના અન્ય આગેવાનો સાથે વાંસદા પોલીસ મથકે પહોંચીને મયુર પટેલ, હાર્દિક પટેલ અને મનિષ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે વાંસદા પોલીસ મથકના PI એમડી ગામીત પ્રેસને જણાવેલ માહિતી મુજબ, હાલ આરોપીઓ પાસેથી સ્કેનર અને પેમ્ફલેટ રિકવર કરવાના બાકી છે. તેમની પૂછપરછ કરવામાં આવશે. આશરે એક લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના અહેવાલ છે, જેના આધારે પૂછપરછ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આ ઘટનાને લઈને જેના પર આરોપ લાગ્યા છે એમાના એક મનીષભાઈ સાથે વાત થઇ તો એમનું નિવેદન હતું કે ‘ધરમ કરતાં ધાડ પડી‘ સિંણધઇ ગામના સરપંચ રાજેશભાઇ પટેલે વાવઝોડામાં પોતાની રીતે કઈ કર્યું નથી અને અમે લોકોની સેવા, મદદ કરવામાં આરોપી બની ગયા પણ કુદરતને બધું ખબર જ છે અમે આમારા પરના ઓનલાઈન ડોનેશનના રૂપિયા ક્યાં વપરાયા છે તેના બિલ અમે પોલીસ તપાસમાં રજુ કરી દીધા છે. અમને ડર નથી અમે સાચા છીએ. સત્ય તપાસમાં બહાર આવી જ જશે. અને આ કોઈના દબાણમાં આવીને FIR કરવામાં આવી છે એમ અમને શંકા છે પણ સત્ય તો બહાર આવી જશે એમાં કોઈ બે મત નથી. ફરિયાદમાં લાખાવેલ બીજા બે વ્યક્તિઓ સાથે વાત થઇ નથી.

