નવસારી: નવસારી ST બસ ડેપોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર રિક્ષા ચાલકો અને ખાનગી વાહનો દ્વારા આડેધડ પાર્કિંગ કરવાના કારણે બસ ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાર્કિંગના કારણે ડેપો નજીક નિયમિતપણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
નવસારી એસટી બસના ડ્રાઇવરો અને સંચાલકોએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, અવ્યવસ્થિત પાર્કિંગને કારણે બસને ડેપોમાં લાવવા અને બહાર કાઢવામાં ઘણો સમય વેડફાય છે, જેનાથી બસના નિર્ધારિત સમયપત્રક પર અસર પડે છે.
ક્યારેક બસને લાંબા સમય સુધી રસ્તા પર ઉભી રાખવી પડે છે.આવી સમસ્યાથી મુસાફરોને પણ અસુવિધા થાય છે. એસટી નિગમે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા અને પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

