ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે,ત્યારે ઝઘડિયા GIDC વિસ્તારમાં એક મોટરસાયકલ સ્લિપ મારી જવાની ઘટનામાં ગંભીર રીતે જખ્મી થયેલ ૪૦ વર્ષીય મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અંગે ઝઘડિયા GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ તા.5 મીના રોજ બોરજાઇ ગામનો પ્રકાશભાઇ જસવંતભાઇ વસાવા નામનો યુવક સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ઝઘડિયા GIDC માં તેની પત્નીને શોધવા ગયો હતો,તે મોટરસાયકલ લઇને GIDC માં નવી આરતી કંપની નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેની મોટરસાયકલ સ્લિપ મારી ગઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પ્રકાશને વાલિયા સરકારી દવાખાને અને ત્યારબાદ ભરૂચ સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા તેને સુરત લઇ જવાયો હતો, જ્યાં તા.7 મીના રોજ સવારના ૯ -૧૦ કલાક દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના પિતા જસવંતભાઇ ચંદુભાઇ વસાવા રહે.ગામ બોરજાઇ તા.ઝઘડિયા જિ.ભરૂચનાની ફરિયાદ મુજબ ઝઘડિયા GIDC પોલીસે મૃતક પ્રકાશભાઇ વસાવાએ ગફલતભરી રીતે મોટરસાયકલ ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી મોટરસાયકલ સ્લિપ ખાઇ જતા તેનું મોત થયું હોવા બાબતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની આ ઘટનામાં મૃતક મોટરસાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી, ત્યારે પોલીસ દ્વારા ચલાવાતી હેલ્મેટ ડ્રાઇવ ખરેખર લોકોના હિત માટેની જ ગણાય.ઝઘડિયા GIDC PSI પી.કે.રાઠોડના જણાવ્યા મુજબ મોટરસાયકલ સવાર ઇસમો જો હેલ્મેટ પહેરીને મોટરસાયકલ ચલાવતા હોય તો અકસ્માત દરમિયાન માથામાં થતી ગંભીર ઇજાઓથી બચી શકે, ત્યારે લોકોએ હેલ્મેટનું મહત્વ સમજીને તેના ઉપયોગનો વ્યાપ વધારવા આગળ આવવું જોઇએ.

