ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આજરોજ ઝઘડિયા વિભાગના છ પોલીસ મથકો પૈકી વાલિયા નેત્રંગ અને ઝઘડિયા GIDC પોલીસ મથકોના આરોપીઓ પર નજર રાખનાર પોલીસ અને પુર્વ આરોપીઓને હાજર રાખીને ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષ સ્થાને પરેડ કાર્યક્રમ યોજાયો હતો.
ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા GIDC PSI પી.કે.રાઠોડની ઉપસ્થિતમાં યોજાયેલ પરેડ કાર્યક્રમમાં ત્રણ પોલીસ મથકોના ૪૭ મેન્ટર્સ અને ૩૪ ડોઝીયર્સ હાજર રહ્યા હતા. જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોક્ત સુચના અન્વયે જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને દેખરેખ રાખનાર પોલીસ દ્વારા રોજેરોજ ચેક કરવા તેમજ આરોપીઓ ઉપર સતત સર્વેલન્સ રાખીને અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઝઘડિયા મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા ડોઝીયર્સની હાલની પ્રવૃત્તિઓ બાબતે તથા અન્ય જરૂરી પુછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આવા પુર્વ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ છોડીને શાંતિપૂર્ણ અને સારી રીતે જીવી શકે તે માટે પોલીસ દ્વારા તેમને નોકરીઓ અપાવીને રોજગારની તકો પુરી પાડવામાં આવતી હોય છે. આજરોજ ઝઘડિયા ડિવિઝનના ત્રણ પોલીસ મથકોને સાંકળીને પરેડ કાર્યક્રમ યોજાયો હતો,જ્યારે બાકીના ત્રણ પોલીસ મથકો સંબંધિત પરેડ કાર્યક્રમનું હવે પછી આયોજન કરવામાં આવશે, એમ જણાવાયું હતું.

