વાપી: વાપી રેલવે સ્ટેશન પરથી મોબાઈલ ફોનની ચોરી કરતા એક આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે મુસાફરનો રૂ. 14,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરતા રંગેહાથ પકડયો હતો. આ ગુનાને વાપી રેલવે પોલીસની ટીમે ડિટેક્ટ કર્યો છે.GRPના SP અભય સોની અને DySP ડી.એચ. ગૌરની સૂચના મુજબ, રેલવે સ્ટેશનો પર મુસાફરો અને તેમના સામાનની સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવી રહી હતી.
સૂચનાના આધારે, ઇન્ચાર્જ PI એમ.બી. વસાવાના નેતૃત્વમાં GRP સર્વેલન્સ સ્ટાફના ASI મહમદસાદિક અબ્દુલરશીદ અને તેમની ટીમે વાપી રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી.પેટ્રોલિંગ દરમિયાન, વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટિકિટબારી નજીકના ખાણીપીણીના સ્ટોલ પાસે એક શખ્સ મુસાફરનો મોબાઈલ ફોન ચોરી કરતો ઝડપાઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડયો હતો.
ફરિયાદીની ફરિયાદના મુજબ, વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીનું નામ સનીસિંગ સંજયસિંગ (ઉં.વ. 27) છે, જે ભડકમોરા, વાપીનો રહેવાસી છે અને મૂળ બિહારના આરા જિલ્લાનો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો રૂ. 14,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે.

