વાપી: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને યાદ કર્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ, મંત્રીએ જીઆઈડીસી બાગ ખાતે સફાઈ કાર્યમાં જાતે ભાગ લીધો હતો. આ દ્વારા તેમણે જિલ્લામાં સ્વચ્છતા અભિયાનની સત્તાવાર શરૂઆત કરી હતી અને લોકોને પણ તેમાં જોડાવા પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

