ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી સ્થાનિક પોલીસમાં નહિ કરાવનાર મકાનમાલિક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે બે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દધેડા ગામે હસમુખભાઇ મયજીભાઇ વસાવા નામના મકાન માલિકની અલગઅલગ રૂમો સંદર્ભે તપાસ કરતા એક રૂમમાં મુળ ઉત્તરપ્રદેશનો અખિલેશ નામનો ઇસમ માસિક રૂપિયા 3000 ના ભાડાથી રહેતો હતો.

ઉપરાંત અન્ય રૂમમાં મુળ ઉત્તરપ્રદેશનો વિરેન્દ્ર નામનો ઇસમ માસિક રૂપિયા 3000 ના ભાડાથી રહેતો હોવાનું જણાયું હતું. પોલીસે સદર મકાનના સંચાલક માલિક હસમુખભાઇ મયજીભાઇ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડિયાનો સંપર્ક કરી મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવેલ છે કે કેમ તે બાબતે પુછપરછ કરતા મકાનમાલિક દ્વારા તેમણે મકાન ભાડુઆત સંબંધિત કોઇ નોંધણી કરાવેલ નથી એમ જણાવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે સદર મકાનમાલિક વિરૂધ્ધ મકાન ભાડુઆત જાહેરનામા ભંગ હેઠળ બે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ જેવા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ઘણા રાજ્ય બહારના પરપ્રાંતિય કામદારો કામ કરે છે. આવા પરપ્રાંતિય ઇસમો પૈકી કેટલાક ગુનાહિત મનોવૃતિ ધરાવતા ઇસમો મકાન દુકાનો ભાડે રાખીને રહેતા હોય છે,અને જેતે વિસ્તારનું ભૌગોલિક સર્વે કરીને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાની સંભાવનાઓ રહેલી હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ મકાન દુકાનના માલિકોએ તેમના મકાન દુકાન ભાડે આપતા સમયે ભાડુઆત સંબંધિત જરૂરી નોંધણી સ્થાનિક પોલીસમાં કરાવવાની હોય છે,આમ નહિ કરનાર મકાન દુકાનના માલિકો સામે પોલીસ દ્વારા જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવતા હોય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here