વ્યારા: વ્યારામાં કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 10:00 કલાકે વાહન ચેકિંગ રાખી દીધું હતું તેમાં નિયમો તોડવા બદલ 23 જેટલા પોલીસ અને સરકારી કર્મચારીઓને 11,500 નો દંડ કરવામાં આવ્યો હતો તેમ જ એક ગાડી ડીટેઇન કરવામાં આવી હતી અને સાત ગાડી પરથી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી હતી.
વ્યારા નગર ખાતે આવેલી કલેક્ટર કચેરીએ અચાનક જ કડક ચેકિંગનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ પીઆઇ સલીમ શેખના નેતૃત્વ હેઠળ સીધા કચેરીના ગેટ પર જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સરકારી કર્મચારીઓ હોય કે પોલીસ જવાનો, કોઈને છોડાયા નહોતા.ચેકિંગ દરમિયાન ખાસ કરીને હેલ્મેટ, સીટબેલ્ટ અને જરૂરી વાહન કાગળોની તપાસ કરવામાં આવી હતી.
પરિણામે 23 લોકોથી નિયમના ઉલ્લંઘન બદલ સીધો રૂ.11,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.જેમાં મોટાભાગના કેસ હેલ્મેટ તથા સીટબેલ્ટ ન પહેરવાના હતા. એક વાહનને કાયદેસર કાર્યવાહી માટે ડીટેઈન કરવામાં આવ્યું.જ્યારે સાત વાહનો પરથી કાયદાના ઉલ્લંઘનરૂપે લગાવવામાં આવેલી કાળા કાચની ફિલ્મ દૂર કરાવવામાં આવી હતી. કલેક્ટર કચેરી જેવી સંવેદનશીલ જગ્યા પર જ કડક ચેકિંગ થવાથી કર્મચારીઓ અને આવનજાવન કરતા નાગરિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

